PM Narendra Modi Flagged 9 Vande Bharat train, Here Check List : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યુ હતુ, જેમાં એક નવી વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને પણ મળી છે. . તમામ ટ્રેનો દેશના અલગ-અલગ રૂટ પરથી પસાર થશે. જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ રાજ્યોના લોકોને નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનથી ઘણો ફાયદો થશે.
નવી 9 વંદ ભારત એક્સપ્રેસ ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવી છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં
ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ, પટના-હાવડા, કસરાગોડ-તિરુવનંતપુરમ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, રાંચી-હાવરા અને જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ પુરી અને મદુરાઈ જેવા મહત્વના ધાર્મિક સ્થળો વચ્ચે કનેક્ટિવિટી વધારશે. વિજયવાડા-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ રેનીગુંટા થઈને ઓપરેટ થશે અને તિરુપતિના ધાર્મિક સ્થળ સાથે કનેક્ટિવિટી પ્રદાન કરશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- આધુનિક કનેક્ટિવિટી વિસ્તારવાની અભૂતપૂર્વ તક
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે શરૂ થયેલી ટ્રેનો પહેલા કરતા વધુ આધુનિક અને આરામદાયક છે. આ વંદે ભારત ટ્રેનો નવા ભારતના નવા જોશ, નવા ઉત્સાહ અને નવા ઉત્સાહનું પ્રતિક છે. દેશમાં આધુનિક કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાની આ અભૂતપૂર્વ તક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની આ ગતિ અને સ્કેલ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે બરાબર મેળ ખાય છે અને આજનું ભારત આ જ ઈચ્છે છે.
પીએમ મોદીએ કહ્યું- વંદે ભારત ટ્રેને પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો છે. જ્યાં વંદે ભારત ટ્રેન પહોંચી રહી છે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે ત્યાં રોજગારીની તકો પણ ઉભી થઈ રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન શરૂ, જાણો નવી ટ્રેનનો રૂટ – સ્ટોપેજ અને ટાઇમ ટેબલ સહિતની તમામ વિગતો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં રેલ્વે વ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા છે. આજે રેલવે સ્ટેશનો સ્વચ્છ છે, નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. દેશભરના રેલ્વે સ્ટેશનોની જૂની સિસ્ટમને બદલીને આજની અને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. થોડા મહિના પહેલા વડાપ્રધાન મોદીએ અમૃત ભારત સ્ટેશનના 508 સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.