મણિપુર હિંસાઃ મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. સાંપ્રદાયિક હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. તો, 50 હજારથી વધુ લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર થયા છે. 19 જુલાઈના રોજ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કુકી સમુદાયની ત્રણ મહિલાઓને ટોળા દ્વારા નગ્ન કરીને રસ્તા પર પરેડ કરવામાં આવી હતી. એક મહિલા પર સામૂહિક બળાત્કાર પણ થયો હતો. આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે. વિપક્ષ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત 6 લોકોની ધરપકડ કરી છે.
સંસદમાં હંગામો ચાલુ છે
20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ આ મામલે સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. છેલ્લા ચાર દિવસથી સંસદની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે. વિપક્ષે મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષ નિયમ 267 હેઠળ રાજ્યસભામાં મણિપુર હિંસા પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે સરકાર નિયમ 176 હેઠળ ચર્ચા કરવા તૈયાર છે. હંગામા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહને પૂરા મોનસૂન સત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો જોઈએ શું છે નિયમ 176 અને નિયમ 267, જેના માટે વિપક્ષ અને સરકાર વચ્ચે હંગામો ચાલુ છે.
267 વિ 176 નિયમ?
વિપક્ષના તમામ પક્ષોએ એક થઈને રાજ્યસભાના અધ્યક્ષને નિયમ 267 હેઠળ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ચર્ચા કરવાની માંગ કરી હતી. આ નિયમ હેઠળ, દિવસના સૂચિબદ્ધ કાર્યસૂચિને અટકાવીને જાહેર મહત્ત્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરવામાં આવે છે. વિપક્ષ આર્ટિકલ 267 હેઠળ મણિપુર હિંસા પર લાંબી ચર્ચાની માંગ કરી રહ્યો છે અને આ નિયમ મુજબ ચર્ચા બાદ મતદાન કરવાની પણ જોગવાઈ છે. વિપક્ષે વડા પ્રધાનને બંને ગૃહોમાં મણિપુર હિંસા પર સરકારનું વલણ રજૂ કરવાની માંગ કરી છે. સરકાર મણિપુર હિંસા પર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ સરકારનું કહેવું છે કે, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર સરકારનું વલણ રજૂ કરશે.
આ પણ વાંચો – chirag paswan interview| ચિરાગ પાસવાન ઈન્ટરવ્યૂ : ‘ભાજપે મારો સામાન ઘરની બહાર ફેંકી દીધો, મને અપમાન લાગ્યું, પણ…’
બીજી તરફ, સરકાર આ મામલે નિયમ 176 હેઠળ રાજ્યસભામાં ટૂંકી ચર્ચા કરવા માંગે છે. આ નિયમ હેઠળ, કોઈપણ વિષય પર વધુમાં વધુ 150 મિનિટ સુધી ચર્ચા થઈ શકે છે અને મતદાનની કોઈ જોગવાઈ નથી. સરકાર મણિપુર તેમજ પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં મહિલાઓ સામેની હિંસા અંગે ચર્ચા કરવા માંગે છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓ માત્ર મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ચર્ચા કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, 1990 પછી નિયમ 267 હેઠળ ગૃહમાં માત્ર 11 ચર્ચા થઈ છે. નિયમ 267 હેઠળ છેલ્લી ચર્ચા 2016માં નોટબંધી પર થઈ હતી. બીજી તરફ વિપક્ષે લોકસભામાં નિયમ 193 હેઠળ ચર્ચાની મંજૂરી માંગી છે, જેના માટે સરકાર તૈયાર છે.