Anti-paper leak bill: કેન્દ્ર સરકારે કોપી અને પેપર લીક પર કાર્યવાહી કરવા માટે સોમવાર 5 ફેબ્રુઆરી 2024 ના રોજ સંસદમાં આ બિલ રજૂ કર્યું. આ બિલનું આખું નામ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ પરીક્ષાના પેપર લીક કરવા માટે દોષિત ઠરશે તો તેને 10 વર્ષની જેલની સાથે 1 કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.
જો કોઈ ઉમેદવાર અન્ય કોઈના નામે પરીક્ષામાં હાજર થશે, તો તેને 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડશે. જો કોઈ સંસ્થા આ પ્રકારના મામલામાં કે છેતરપિંડીમાં સંડોવાયેલી જણાશે, તો તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ પણ તેની પાસેથી વસૂલવામાં આવશે.
પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 માં કઈ પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવશે:
આ બિલ કાયદાનું સ્વરૂપ લે છે, તો UPSC, SSC, રેલવે ભરતી બોર્ડ, બેંકિંગ, NEET-મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની ઘણી પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં રહેશે. હાલમાં આ કાયદો ધોરણ 10મા કે 12મા ધોરણની પરીક્ષાઓ પર લાગુ થતો નથી. આ સાથે, આ રાજ્યોની પરીક્ષાઓ પર પણ આ લાગુ થશે નહીં, કારણ કે ઘણા રાજ્યોએ છેતરપિંડી અંગે પોતાના અલગ કાયદા બનાવ્યા છે.
પરીક્ષામાં ગેરરીતિ માટેના કેસમાં કોણ કરશે તપાસ?
હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, આ પ્રકારે પરીક્ષામાં કોપીના કેસની તપાસ કોણ કરશે. આ સવાલનો જવાબ પણ બિલમાં આપવામાં આવ્યો છે. સંસદમાં રજૂ કરાયેલા બિલ અનુસાર, નાયબ પોલીસ અધિક્ષક અને સહાયક પોલીસ કમિશનર સ્તરના અધિકારીઓ આ કાયદા હેઠળ તપાસ કરશે. આ સાથે સરકારને પેપર લીક અને કોપીના મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો પણ અધિકાર રહેશે.
પેપર લીક નો ધંધો કેટલો મોટો છે?
તમામ ડેટા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 7 વર્ષમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં 70થી વધુ પરીક્ષાઓના પેપર લીક થયા છે. આ પેપર લીકથી 1.5 કરોડથી વધુ યુવાનોની કારકિર્દીને અસર થઈ હતી. 2015 અને 2023 વચ્ચેના રેકોર્ડ પર નજર કરીએ તો, પેપર લીકના મામલામાં રાજસ્થાન ટોચ પર છે. અહીં પેપર લીકના 14 કેસ સામે આવ્યા હતા, જે બાદ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. રાજસ્થાનની સાથે ગુજરાતમાં પણ આ સાત વર્ષમાં 14 પરીક્ષા પેપર લીક થયા હતા.
આ પણ વાંચો – પેપર લીક રોકવા સંસદમાં બિલ રજૂ, પરીક્ષામાં ગેરરીતિ રોકવા કાયદો બનશે, શું છે સજાની જોગવાઈ?
માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો જ લીક થતા નથી
છેતરપિંડી અને પેપર લીકના ધંધાને કારણે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ પ્રભાવિત નથી. તેમનો કાર્યક્ષેત્ર શાળાઓ સુધી વિસ્તરેલો છે. બોર્ડની પરીક્ષાના પેપર લીકનો ખેલ શાળાઓમાં મોટા પાયે ચાલે છે. બિહાર અને બંગાળ બોર્ડ પરીક્ષા પેપર લીક માટે ખૂબ જ કુખ્યાત છે. બિહાર અને બંગાળમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ 10 વખત પેપર લીક થયા છે. બોર્ડ પેપર લીકની સ્થિતિ એવી છે કે, વર્ષ 2023 માં આસામ બોર્ડ 12મા કોમર્સનું પેપર વોટ્સએપ દ્વારા 200 થી 3000 રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યું હતું.
આ બિલ દ્વારા સરકાર પેપર લીક થકી થતા કરોડો રૂપિયાના નુકસાનને રોકવા અને દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો ઇરાદો ધરાવે છે. વાસ્તવમાં પેપર લીક એ એટલો મોટો ગુનો બની ગયો છે કે, તે સમગ્ર સિસ્ટમને ઉધઈની જેમ સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.