One Nation, One Election : દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાના ભાજપના ‘વન નેશન, વન ઈલેક્શન’ના વિચારે હાલના દિવસોમાં રાજકીય ચર્ચા જગાવી છે. આ બધા વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, પેનલ કાયદાકીય જોગવાઈઓ અનુસાર ચૂંટણી કરાવવા માટે તૈયાર છે.
CEC બુધવારે ભોપાલમાં મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, “અમારું કામ સમય પહેલા ચૂંટણી કરાવવાનું છે. તે સમય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અમારું કામ સમય પહેલાં ચૂંટણી કરાવવાનું – CEC
રાજીવ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, “બંધારણીય જોગવાઈઓ અને આરપી એક્ટ મુજબ વહેલી ચૂંટણી કરાવવાની અમારી ફરજ છે. કલમ 83(2) કહે છે કે, સંસદનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. તદનુસાર, આરપી એક્ટની કલમ 14 કહે છે કે, અમે છ મહિના અગાઉ ચૂંટણીની જાહેરાત કરી શકીએ છીએ. રાજ્યની વિધાનસભાઓમાં પણ આવી જ સ્થિતિ છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, કાયદાકીય જોગવાઈઓ અનુસાર અમે ચૂંટણી કરાવવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે ઉમેર્યું હતું કે, આરપી એક્ટની જોગવાઈઓ હેઠળ, સરકારના 5-વર્ષના કાર્યકાળના અંતના 6 મહિના પહેલા ચૂંટણીની જાહેરાત કરી શકાય છે અને રાજ્ય વિધાનસભાઓ માટે પણ આવું જ છે.
એક દેશ, એક ચૂંટણી માટે 8 સભ્યોની સમિતિની રચના
ગયા અઠવાડિયે, કેન્દ્રએ રાષ્ટ્રીય હિતને ટાંકીને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એકસાથે ચૂંટણી યોજવા માટે તપાસ કરવા અને ભલામણો કરવા માટે આઠ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી. ચૂંટણીમાં વધુ પારદર્શિતાની માંગ પર, મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, રાજ્યના 64,523 મતદાન મથકોમાંથી 50 ટકા પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તેમાંથી 5,000 મતદાન મથકોનું સંચાલન મહિલાઓ દ્વારા, 1150 યુવા મતદારો દ્વારા અને 200નું સંચાલન પીડબલ્યુડી દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો – One Nation One Election: શું એક દેશ, એક ચૂંટણી શક્ય છે? દેશને કેટલો ફાયદો અને કેટલું નુકસાન? જાણો દરેક પ્રશ્નનો જવાબ
રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “ઓછા મતદાનવાળા મતવિસ્તારોમાં આયોગ ખાસ ઝુંબેશ ચલાવશે. અત્યાર સુધીમાં, ચૂંટણી પંચે 30 જિલ્લાઓમાં 95 વિધાનસભા મતવિસ્તારોની ઓળખ કરી છે, જ્યાં મતદાન રાજ્યની સરેરાશ 75.63 ટકા કરતાં ઓછું હતું. અમે રાજ્ય અમલીકરણ એજન્સીઓ સાથે બેઠકો કરી છે, અને દિશા ખૂબ જ સ્પષ્ટ છે, અમે મફત વસ્તુઓના વિતરણને મંજૂરી આપીશું નહીં. અમે પ્રલોભન-મુક્ત, અહિંસક અને પારદર્શક ચૂંટણી ઇચ્છીએ છીએ.