scorecardresearch
Premium

હું કૂવામાં કૂદીને જીવ આપી દઇશ પણ કોંગ્રેસમાં સામેલ થઇશ નહીં : નીતિન ગડકરી

Union Minister Nitin Gadkari : નીતિન ગડકરીએ દાવો કર્યો કે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની તુલનામાં ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં બમણું કામ કર્યું છે

union minister, nitin gadkari
માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી (File)

Nitin Gadkari : કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે એક વખત એક રાજનેતાએ તેમને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી તો કોંગ્રેસના નેતાની સલાહ પર તેમણે જવાબ આપ્યો હતો કે તે પાર્ટીના સભ્ય બનવાને બદલે કૂવામાં કૂદીને જીવ આપી દેશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની તુલનામાં છેલ્લા નવ વર્ષમાં બમણું કામ કર્યું છે.

નીતિન ગડકરીને શરૂઆતના દિવસોને યાદ કર્યા

શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂરા થવાના અવસર પર એક જનસભાને સંબોધિત કરતા નીતિન ગડકરીએ ભાજપમાં પોતાના કામના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. નીતિન ગડકરીએ કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જીચકર દ્વારા આપેલી સલાહને યાદ કરી હતી. ગડકરીએ કહ્યું કે શ્રીકાંતે મને એક વખત કહ્યું હતું કે તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો અને જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ હશે. પરંતુ મેં તેમને કહ્યું હતું કે હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદીશ કારણ કે મને ભાજપ અને તેની વિચારધારા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

ગડકરીએ આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) માટે કામ કરતી વખતે પોતાની યુવાનીના દિવસોમાં તેમનામાં મૂલ્યોનું સિંચન કરવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પણ પ્રશંસા કરી હતી. કોંગ્રેસ વિશે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે પાર્ટી બન્યા પછી તે અનેક વખત તુટી ચુકી છે.

આ પણ વાંચો – શરદ પવાર 2024માં પીએમ નરેન્દ્ર મોદીની રાહ મુશ્કેલ બનાવવાનું કામ કરશે, જાણો કેવી રીતે

કોંગ્રેસ પર કર્યો પ્રહાર

નીતિન ગડકરીએ કહ્યું કે આપણે આપણા દેશના લોકતંત્રના ઈતિહાસને ભૂલવો ન જોઈએ. તેમણે કહ્યું કે આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ. કોંગ્રેસ પર પ્રહાર કરતા ગડકરીએ કહ્યું કે પોતાના 60 વર્ષના શાસનકાળમાં કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો પરંતુ વ્યક્તિગત લાભ માટે માત્ર શૈક્ષણિક સંસ્થાઓ ખોલી હતી.

નીતિન ગડકરીએ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના વિઝન માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં બમણાં કામ કર્યાં છે, જે કોંગ્રેસ તેના 60 વર્ષના શાસનમાં કરી શકી નથી. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે થોડા દિવસ પહેલા જ્યારે તેઓ ઉત્તરપ્રદેશમાં હતા ત્યારે તેમણે લોકોને કહ્યું હતું કે 2024ના અંત સુધીમાં યુપીના રસ્તા અમેરિકા જેવા થઇ જશે.

Web Title: Nitin gadkari says will kill myself by jumping into well but will not join congress

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×