New Parliament Building Monsoon session : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી સંસદ ભવન ત્રણ માળની છે અને તેનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. આ સંસદમાં મંત્રીઓ માટે 92 ઓફિસ બનાવવામાં આવી છે. લોકસભા ચેમ્બરમાં 888 બેઠકો હશે. નવી સંસદ ભવનનો આકાર ત્રિકોણાકાર છે. તેમજ નવા સંસદ ભવનને સંપૂર્ણ રીતે ડિજિટલાઇઝ્ડ કરવામાં આવશે અને પેપર વર્ક ખૂબ જ ઓછું થશે. આ દરમિયાન હવે ચોમાસું સત્રની શરૂઆત પહેલા ચાલુ અઠવાડિયે નવા સંસદ ભવનમાં ઘણી તૈયારીઓ ચાલી રહી છે.
કોરમ બેલ કેટલો જોરથી વગાડવો જોઈએ, એર કન્ડીશનિંને કયા તાપમાને સેટ કરવું જોઈએ, શું ઓટોમેટેડ સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કામગીરી કરી રહી છે? આ અઠવાડિયે ચોમાસુ સત્ર પહેલા નવા સંસદ ભવનમાં તમામ સિસ્ટમનું પરીક્ષણ કરી રહેલા અધિકારીઓ આ તમામ બાબતોની ચકાસણી કરી રહ્યા છે. તેનું ઉદ્ઘાટન થયાના એક મહિના પછી, નવી સંસદમાં અધિકારીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહેલી સિસ્ટમ ઉપરાંત થોડુંક ફિનિશિંગ પણ કામ ચાલુ છે.
નવી સંસદમાં ચોમાસુ સત્ર માટે કઇ – કઇ તૈયારીઓ ચાલી રહી છે
જૂના સંસદ ભવનની બાજુમાં બનેલી નવી ઇમારતમાં આગામી મહિને ચોમાસુ સત્ર યોજાય તેવી શક્યતા છે. જોકે, સરકારે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. ઉદ્ઘાટન પછીના મહિનામાં કારીગરોએ ભોંયરામાં અને મંત્રીઓના કાર્યાલયોને અંતિમ રૂપ આપવાનું ચાલુ રાખ્યું છે, તેમજ લોકસભા અને રાજ્યસભા ચેમ્બરમાં ઑડિયો, વિડિયો અને અન્ય સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
એક અધિકારીએ કહ્યું કે, હવે લોકસભામાં સાઉન્ડ સિસ્ટમ, માઇક્રોફોન, કૂલિંગ અને ડેસ્કની ગોઠવણીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે કોરમ બેલ એવુંસૂચવે છે કે કોઇ કોરમ નથી અથવા ઓછામાં ઓછા સાંસદોની સંખ્યા જરૂરી છે. સદનમાં બોલાર્ડ સહિતની સિસ્ટમનું ઓટોમેશન પણ કરવામાં આવી રહ્યું હતું. લોકસભાના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફિનિશિંગનું કામ ચાલી રહ્યું હોવા છતાં જૂની બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે.
વિપક્ષે સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો
નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મે 2023 ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બદલે વડાપ્રધાન આ ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરવાના વિરોધમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 20 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.