Mukesh Ambani Death Threat News: દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સાથે જ કહ્યું છે કે, જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો, કોઈએ જીવ પણ ગુમાવવો પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણીને ગુરુવારે (27 ઓક્ટોબર) સાંજે આ ધમકી મળી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો, અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર છે.’
ઈમેલમાં લખ્યું હતું, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો, અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’. આ ઈમેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
મુકેશ અંબાણીને Z+ સુરક્ષા મળી છે
આ પહેલા પણ અંબાણી અને તેમના પરિવારને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ કારણે ગયા વર્ષે 29 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા Z કેટેગરીમાંથી Z+ કરી દીધી હતી. મુકેશ અંબાણી પોતે જ સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે. આ ખર્ચ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા છે.
મુકેશ અંબાણીને આ પહેલા પણ ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે
10 જાન્યુઆરી, 2023 ના રોજ, મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, સાંજે 4.30 વાગ્યે સ્કૂલ લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
5 ઓક્ટોબર, 2022 ના રોજ, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બની ધમકી મળી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણ્યા વ્યક્તિના બે વખત કોલ આવ્યા હતા, જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પહેલો કોલ લગભગ 1 વાગ્યે આવ્યો હતો અને બીજો કોલ સાંજે 5 વાગ્યે આવ્યો હતો. આ પછી હોસ્પિટલ અને એન્ટિલિયા (મુકેશ અંબાણીના ઘર) ની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
15 ઓગસ્ટ 2022ના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે, ત્રણ કલાકમાં તેનો આખો પરિવાર નાશ પામશે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
રિલાયન્સે ગઈકાલે Q2 પરિણામો જાહેર કર્યા, નફો 27 ટકા વધ્યો
ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં ઓછો હતો અને માર્જિન પર પણ થોડી અસર થઈ છે. જો કે, પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં, તે 27.4 ટકા વધીને રૂ. 17,394 કરોડ થયું છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 13,656 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. વિશ્લેષકોનો ચોખ્ખો નફો રૂ. 18,463 કરોડનો અંદાજ હતો. રિલાયન્સે કહ્યું કે, પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં, નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 14 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે નફા પર થોડી અસર થઈ હતી.