Monsoon 2023 : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ એક જ સમયે દિલ્હી અને મુંબઈમાં આવી પહોંચ્યું છે. 1961 પછી આ પહેલીવાર છે જ્યારે ચોમાસાએ દિલ્હી અને મુંબઇમાં એક સાથે દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગે (આઇએમડી)જણાવ્યું હતું કે મુંબઈ માટે ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 11 જૂન છે અને દિલ્હી માટે 27 જૂન છે.
ઘણા રાજ્યોમાં ચોમાસાનું આગમન
આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધીમી શરૂઆત કરનાર ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સિવાય સમગ્ર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, છત્તીસગઢ, ઓડિશા, પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ સહિત અનેક વિસ્તારોને મોનસુન કવર કરશે. આ સાથે જ ઝારખંડ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
મધ્ય ભારતમાં ચોમાસું પહેલેથી જ 10થી 12 દિવસ મોડું
આઈએમડીએ જણાવ્યું હતું કે મધ્ય ભારતમાં ચોમાસું પહેલેથી જ 10થી 12 દિવસ મોડું છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી પાઇના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપોરજોયે દક્ષિણ ભારત અને દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ચોમાસાની પ્રગતિને અસર કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ડી પાઇએ જણાવ્યું હતું કે સિસ્ટમે ભેજને શોષી લીધો હોવાથી ચોમાસું પશ્ચિમ કિનારે ઘણું મોડું પહોંચ્યું હતું.
આ પણ વાંચો – મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બે કલાકમાં 35 તાલુકામાં વરસ્યો વરસાદ, ગોધરામાં 4 ઇંચ, ક્યાં કેટલો પડ્યો?
શનિવારથી ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમી ભારતમાં વરસાદ થઇ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ થઇ રહ્યો છે. દિલ્હીમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના છે. દિલ્હીમાં મોસમ વિભાગે 25 થી 27 જૂન માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ
હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં હવામાન ખરાબ રહેશે. 25થી 28 જૂન સુધી હિમાચલના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25 અને 26 જૂને ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં 26 જૂને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.