Ministry of Mines Critical Minerals : દેશને એક મહત્વપૂર્ણ ખજાનો મળ્યો છે. ખાણ મંત્રાલય દ્વારા આવા 30 ખનિજોની ઓળખ કરવામાં આવી છે, જે ભારતના દરેક પ્રદેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખનિજો માત્ર આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં જ મદદ કરશે નહીં, પરંતુ આ ખનિજ રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખનિજો માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ખનીજોની યાદીમાં ઘણા ખનીજ મૂલ્યવાન છે.
કમિટીના અહેવાલને જાહેર કરતા કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આ લીસ્ટ સમયાંતરે અપડેટ કરવામાં આવશે. તેના આધારે જ ખનીજોની ઓળખ અને તેના ખોદકામની દિશામાં કામગીરી આગળ ધપાવવામાં આવશે. આ સમિતિની રચના નવેમ્બર 2022માં કરવામાં આવી હતી. જોઈન્ટ સેક્રેટરીના નેતૃત્વમાં 7 સભ્યોની કમિટીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી જોશીએ માહિતી આપી હતી કે, આ પ્રથમ વખત છે કે, ભારતે મુખ્ય ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ખનિજોની વ્યાપક સૂચિની ઓળખ કરી છે.
કયા ખનીજની ઓળખ કરવામાં આવી છે
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ખનિજોની યાદીમાં લિથિયમ, મોલિબ્ડેનમ, નિઓબિયમ, નિકલ, પીજીઇ, ટેન્ટેલમ, ટેલ્યુરિયમ, ટીન, ટાઇટેનિયમ, ટંગસ્ટન, વેનેડિયમ, એન્ટિમોની, બેરિલિયમ, બિસ્મથ, કોબાલ્ટ, કોપર, ગેલિયમ, જર્મેનીયમ, ગ્રેફાઇટ, ઇન્ડિયમ, ફોસ્ફરસ, પોટાશ, રે, રેનિયમ, સિલિકોન, સ્ટ્રોન્ટિયમ, ઝિર્કોનિયમ, સેલેનિયમ અને કેડમિયમનો સમાવેશ થાય છે.
આ ખનિજો કેટલા મહત્વપૂર્ણ છે
જે ખનિજોની યાદી બહાર પાડવામાં આવી છે, તે આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં, ગ્રેફાઇટ, ટાઇટેનિયમ અને કોબાલ્ટ જેવા ખનિજોનો ઉપયોગ ટેલિકોમ્યુનિકેશન તેમજ ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન અને સંરક્ષણ ક્ષેત્રોમાં થાય છે. આ ઉપરાંત ઉપગ્રહોના નિર્માણમાં પણ ટાઇટેનિયમનો ઉપયોગ થાય છે. આ ખનિજો સંરક્ષણ સાધનો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.