Opposition MPs Manipur Visit Updates : મણિપુરની મુલાકાત કર્યા પછી વિપક્ષી પક્ષોનું ગઠબંધન INDIA નું એક પ્રતિનિધિમંડળ રવિવારે દિલ્હી પરત ફર્યું હતું. રાષ્ટ્રીય રાજધાની પરત ફર્યા બાદ પ્રતિનિધિમંડળમાં સામેલ મોટાભાગના સાંસદોની એક જ ફરિયાદ હતી કે ત્યાં રાહત શિબિરોની હાલત ખૂબ ખરાબ છે. જ્યાં હિંસાથી પ્રભાવિત લોકોને રાખવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોએ શનિવારે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મણિપુરના રાજ્યપાલ અનુસૂઇયા ઉઇકેને એક આવેદનપત્ર આપ્યું હતું.
મણિપુરના રાજ્યપાલને સુપરત કરવામાં આવેલા એક મેમોરેન્ડમમાં વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે રાજ્યમાં ચાલી રહેલી હિંસા અંગે વડા પ્રધાનનું મૌન તેમની ઉદાસીનતા દર્શાવે છે. આવેદનપત્રમાં રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિની પુન:સ્થાપના માટે કહેવામાં આવ્યું છે અને કેન્દ્રને છેલ્લા 89 દિવસથી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા પુરી રીતે ખરાબ હોવા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
શનિવારે 21 સભ્યોની ટીમે રમખાણગ્રસ્ત ચુરાચાંદપુર શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રાહત શિબિરોમાં કુકી નેતાઓ અને પીડિતો સાથે મુલાકાત કરી હતી. રોડ માર્ગે મુસાફરી કરવાનું જોખમ ન સર્જાય તે માટે તેઓ હેલિકોપ્ટર મારફતે ચુરાચાદપુર પહોંચ્યા હતા. ત્યાર બાદ ઇમ્ફાલમાં તેમણે મૈતેઇ સમુદાયના પીડિતો માટે રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. રવિવારે વિરોધ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ મણિપુરની પરિસ્થિતિ જાણી દિલ્હી પરત ફર્યું હતું. આ પછી નેતાઓએ મીડિયા સાથે આ વિશે વાત કરી હતી.
મણિપુરથી પરત ફર્યા બાદ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મણિપુર માટે કોઇ મોટા પગલા ઉઠાવી રહ્યા નથી. દિલ્હી અને દેશની બહાર મોટી મોટી વાતો કહેવામાં આવી રહી છે. લોકો પાસે તેમના ઘરોમાં ખોરાક અને દવાઓ નથી, બાળકો પાસે ભણવાની કોઈ સુવિધા નથી, કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ જઈ શકતા નથી. બંને સમુદાયો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટે કંઈ કરવામાં આવી રહ્યું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આંખો બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે, લોકો મુખ્યમંત્રીની ફરિયાદ કરી રહ્યા છે. મણિપુરમાં મ્યાનમાર સાથે સરહદ છે અને ચીન મ્યાનમારથી પાછળ છે. મણિપુરમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. મણિપુરના લોકો પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે અને વિસ્થાપિત થયા છે, તેમને ખબર નથી કે તેઓ ક્યારે તેમના ઘરે પાછા ફરશે. અહીંના લોકો માટે ખાવા-પીવાની અને દવાની સુવિધા નથી. બાળકોનું શિક્ષણ બંધ થઈ ગયું છે. લોકો એકબીજા પર વિશ્વાસ નથી કરી રહ્યા, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો આ તરફ કોઈ ધ્યાન આપી રહી નથી. જો સમયસર નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ બેકાબૂ બનશે.
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે મણિપુરમાં લોકોની એક જ માંગ છે કે ન્યાય સાથે શાંતિ પુન:સ્થાપિત થવી જોઈએ. ક્યાંય પણ શાંતિનો વિકલ્પ નથી. પછી તે મધ્યપ્રદેશ હોય કે મણિપુર. અમે મણિપુરમાં ન્યાય ઇચ્છીએ છીએ. અમારી એકમાત્ર માંગ એ છે કે બંને સમુદાયો સુમેળમાં રહે. મણિપુરની સ્થિતિ ડરામણી, દર્દનાક અને પીડાદાયક છે. સંસદમાં ચર્ચા થઈ ચૂકી છે કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મણિપુરની મુલાકાત લે.
આ પણ વાંચો – મણિપુર હિંસા થોડા મહિના જૂની પણ સંકેત પહેલા જ મળી ગયા હતા, વાંચો ઇનસાઇડ સ્ટોરી
કોંગ્રેસ સાંસદ ફૂલોદેવી નેતામે મણિપુર પોલીસ પર મોટો આરોપ લગાવ્યો હતો. ફૂલોદેવી નેતામે જણાવ્યું હતું કે, બે યુવતીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતાએ મને જણાવ્યું કે પોલીસની સામે જ તેમના પર રેપ થયો, પરંતુ સરકાર કોઇ કાર્યવાહી કરી રહી નથી. કોઈએ પણ આટલું નિર્લજ્જ થવું જોઈએ નહીં. અમે માંગ કરીએ છીએ કે શક્ય તેટલી વહેલી તકે ત્યાં સામાન્યતા પુન:સ્થાપિત થવી જોઈએ. અમે એક અધિકૃત અહેવાલ બનાવીશું અને તેને ગૃહ સમક્ષ રજૂ કરીશું. અમે માંગ કરી રહ્યા છીએ કે વડા પ્રધાને મણિપુરની ચર્ચા કરવા સંસદમાં આવવું જોઈએ. ગઠબંધનના નેતાઓ આવતીકાલે સવારે 9.30 વાગ્યે સંસદમાં બેઠક કરશે અને ગૃહના ફ્લોર પર વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.
મણિપુરથી પરત ફર્યા બાદ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું કે ત્યાંના લોકો સાથે જે થયું તેનાથી અમે નિરાશ છીએ. રાજ્યપાલ સાથેની બેઠકમાં અમે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક અખિલ ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને અહીં આવવાનું સૂચન કર્યું હતું. અમે પહેલા દિવસથી જ આ જ સૂચન કરી રહ્યા છીએ, પરંતુ વડા પ્રધાન ગુમ છે. તેમના મંત્રીઓ દિલ્હીમાં બેસીને નિવેદનો આપી રહ્યા છે. ત્યાંની જમીન પરની વાસ્તવિકતા જોવા માટે તેણે મણિપુરની મુલાકાત લેવી જોઈએ.
મણિપુરથી પરત ફર્યા બાદ એનસીપી (શરદ પવાર જૂથ)ના સાંસદ પી પી મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે અમે જે જોયું અને સાંભળ્યું છે તે અમારી અપેક્ષાઓથી પર છે. તે લોકોની પીડાને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. જો સરકારે શરૂઆતમાં કાર્યવાહી કરી હોત તો આવી પરિસ્થિતિને ટાળી શકાઈ હોત, સરકાર મૂકપ્રેક્ષક બનીને રહી ગઈ હતી અને પગલાં લેતી ન હતી. અમે રાજ્યપાલને મળ્યા છે અને તેમને વિનંતી કરી છે કે તેઓ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને લાવવા માટે સરકાર સાથે વાત કરે અને આ સમુદાયોના નેતાઓને બોલાવે અને તેમને સાથે બેસાડે.
સીપીઆઈ(એમ)ના સાંસદ એ એ રહીમે કહ્યું કે ત્યાં બધી વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. ત્યાં ડબલ એન્જિન સંપૂર્ણપણે લકવાગ્રસ્ત અને નિષ્ફળ ગયું છે. રાહત શિબિરોમાં કોઈ રાહત નથી. નફરતની રાજનીતિને કારણે વડા પ્રધાન ત્યાં જઈ શકતા નથી. મણિપુરમાં ભાજપ અને આરએસએસના નેતૃત્વમાં રાજકીય ધ્રુવીકરણનું આ પરિણામ છે.
રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીના સાંસદ એન કે પ્રેમચંદ્રને કહ્યું કે મણિપુરમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે. રાહત શિબિરોમાં લોકોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી નથી. રાહત શિબિરોમાં તમામ સુવિધાઓ પૂરી પાડવાની તાતી જરૂર છે. અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે સર્વપક્ષીય ટીમને તાત્કાલિક મણિપુર મોકલવામાં આવે જેથી પરિસ્થિતિનું યોગ્ય આકલન કરી શકાય અને ભારત સરકારને ભલામણ કરી શકાય. તેમણે કહ્યું કે જો કેન્દ્ર હસ્તક્ષેપ નહીં કરો તો સ્થિતિ વધુ ખરાબ થશે અને તેની અસર ઉત્તરી રાજ્યો તેમજ દેશની સુરક્ષા પર પડશે.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે વિપક્ષી ભારતના સભ્યોની મણિપુરની મુલાકાતને ઢોંગ કહેવા બદલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન તો હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લીધી હતી કે ન તો સંસદમાં તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મણિપુર એ ભારતનો એક ભાગ છે અને તેના નાગરિકો ભારતીય નાગરિકો છે. તેમની વાત સાંભળો. તેથી જ ઇન્ડિયા ગઠબંધનના પ્રતિનિધિમંડળે રાજ્યની મુલાકાત લીધી હતી.
ટીએમસી સાંસદ સુષ્મિતા દેવે કહ્યું કે આખો વિપક્ષ મણિપુરની સાથે છે. જેએમએમના સાંસદ મહુઆ માજીએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે મણિપુરમાં શાંતિ પાછી આવી છે, પરંતુ શાંતિ ક્યાં છે? રાજ્ય હજુ પણ સળગી રહ્યું છે. ડીએમકેના સાંસદ કનિમોઝીએ કહ્યું કે લોકો સરકાર દ્વારા અપમાનિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, અહીંના લોકોને લાગે છે કે સરકારે દરમિયાનગીરી કરી નથી અને હિંસા ચાલુ રહી છે, તેથી તેમને સીએમ એન બિરેન સિંહ પર વિશ્વાસ નથી.
વિરોધી પક્ષોનું પ્રતિનિધિમંડળ મણિપુર કેમ ગયું?
વિરોધ પક્ષોનું પ્રતિનિધિમંડળ રાજ્યની જમીની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બે દિવસની મુલાકાતે આવ્યું હતું. મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી જ વંશીય હિંસા જોવા મળી રહી હતી. વિપક્ષી દળોના નેતાઓની આ મુલાકાતનો હેતુ કેન્દ્ર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં બહુપ્રતિક્ષિત ચર્ચા પહેલા સંસદમાં પીએમ મોદી પાસેથી નિવેદન માંગવા માટે સરકાર પર દબાણ વધારવાનો છે.
મણિપુરમાં લગભગ છેલ્લા ત્રણ દાયકાથી કુકી અને મૈતેઇ સમુદાયો વચ્ચે ચાલી રહેલો જમીન વિવાદ મુખ્ય કારણ છે. મણિપુરની કુલ 30 લાખની વસ્તીમાં મૈતેઇ લોકોનો હિસ્સો 53 ટકા છે અને આ લોકો ખીણ વિસ્તારમાં રહે છે, જે મણિપુરના કુલ ભૌગોલિક વિસ્તારના 10 ટકા છે. આ સાથે જ કુકી સહિત અન્ય આદિવાસી સમુદાયોની વસ્તીનો હિસ્સો લગભગ 40 ટકા છે. તેમાંથી સૌથી વધુ 24 ટકા નાગા જનજાતિઓ છે, ત્યારબાદ 16 ટકા કુકી અથવા ઝોમી જનજાતિ છે. મણિપુરના મોટાભાગના આદિવાસીઓ પર્વતીય વિસ્તારોમાં રહે છે, જે મણિપુરના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે.
1993માં પણ મણિપુરમાં રમખાણો થયા હતા
1993માં મણિપુર હિંસા દરમિયાન રાજ્યમાં નાગા અને કુકી સમુદાય આમને-સામને આવી ગયા હતા. તે દરમિયાન 10-20 અને 50 નહીં, પરંતુ સેંકડો લોકો માર્યા ગયા હતા. કેટલાક આંકડા કહે છે કે લગભગ 700 લોકો, તો કેટલાક કહે છે કે અસંખ્ય લોકો માર્યા ગયા હતા.