manipur violence : ઘણા મહિનાઓથી જાતિય હિંસામાંથી પસાર થઈ રહેલા મણિપુરની સ્થિતિ ગુરુવારે ફરી ખરાબ થઇ હતી. રાજ્યના વિષ્ણુપુરમાં વિરોધ કરી રહેલા મૈતેઈ સમાજ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષાબળો પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી છે.
મણિપુરમાં ફરી હિંસા
મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી આ રીતે સળગી રહ્યું છે. 150થી વધુ લોકોના મોત થયા છે, ઘણા ઇજાગ્રસ્ત છે પરંતુ આ હિંસા હજુ સુધી અટકી નથી. સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી ચાલી રહી છે, સરકારને ઠપકો પણ આપ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતિ બહુ સુધરી નથી. ઉલ્ટાનું ફરી એકવાર હિંસક અથડામણોએ ગ્રાઉન્ડ પર તણાવ વધારવાનું કામ કર્યું છે.
થોડા દિવસ પહેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતાઓ મણિપુરની મુલાકાતે આવ્યા હતા. તેમણે હિંસાગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ જાણી હતી અને પીડિતો સાથે મુલાકાત કરી હતી. તે અલગ બાબત છે કે કેન્દ્ર સરકાર અને ભાજપે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી. હાલ તો જમીન પરની હિંસા બંધ થઈ નથી, તમામ પ્રયાસો છતાં પણ હંગામાની સ્થિતિ યથાવત છે. સરકાર ફરી એકવાર સામાન્ય સ્થિતિ તરફ આગળ વધવાની પૂરી કોશિશ કરી રહી છે, પરંતુ હજુ પણ રસ્તો મુશ્કેલ છે.
આ પણ વાંચો – પીડિત મહિલાઓ સાથે મુલાકાત, રાહત કેમ્પમાં ખરાબ વ્યવસ્થા, 3 મહિનાથી સળગી રહેલા મણિપુરમાં INDIA ગઠબંધને શું જોયું?
મણિપુરમાં સ્થિતિ કેવી રીતે વણસી?
મણિપુરમાં જ્યારથી બે મહિલાઓનો વીડિયો વાયરલ થયો છે ત્યારથી સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. એટલા માટે હિંસા વધુ વિસ્ફોટક બની છે. હિંસાનાં ઘણા કારણો બતાવવામાં આવી રહ્યાં છે પરંતુ મૂળ કંઈક બીજું જ છે. હકીકતમાં, મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે – તેમાંથી બે પર્વતો પર અને એક ખીણમાં સ્થાયી થયા છે. મૈતેઇ સમુદાય 53 ટકાની આસપાસ છે, જે ખીણમાં રહે છે. અન્ય બે સમુદાયો છે – નાગા અને કુકીઓ, જે બંને આદિવાસી સમુદાયોમાંથી આવે છે અને પર્વતોમાં સ્થાયી થયા છે. હવે મણિપુર પાસે એક કાયદો છે. જે કહે છે કે મૈતેઇ સમુદાય ફક્ત ખીણમાં જ રહી શકે છે અને તેને પર્વતીય ક્ષેત્રમાં જમીન ખરીદવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ સમુદાય ઈચ્છે છે કે તેને અનૂસુચિત જનજાતિનો દરજ્જો મળે પરંતુ હજુ સુધી આવુ થયુ નથી.
તાજેતરમાં જ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, રાજ્ય સરકારે મૈતેઈ સમાજની આ માગણી પર વિચાર કરવો જોઈએ. ત્યાર બાદથી જ રાજ્યના રાજકારણમાં તણાવ જોવા મળી રહ્યો છે અને વિરોધ જોવા મળી રહ્યો છે. આવી જ એક આદિવાસી કૂચ દરમિયાન હંગામો થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી.