Shiv Sena : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બાકીના 15 ધારાસભ્યોના ભાવિ પર ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે ભારપૂર્વક જણાવ્યું છે કે શિવસેનાના 1999ના બંધારણને જ માન્ય ગણવામાં આવશે, 2018માં જે પણ સુધારાની વાત કરવામાં આવી છે તે યોગ્ય નથી. તેમના તરફથી એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ રેકોર્ડમાં શિંદે જૂથ જ અસલી શિવસેના છે.
પોતાના નિર્ણયમાં સ્પીકરે કહ્યું કે શિવસેનાના 2018ના સંશોધિત સંવિધાનને કાયદેસર માની શકાય નહીં કારણ કે તે ભારતના ચૂંટણી પંચના રેકોર્ડમાં નથી. રેકોર્ડ પ્રમાણે મેં શિવસેનાના 1999ના બંધારણને માન્ય બંધારણ તરીકે ધ્યાનમાં લીધું છે. આ સિવાય સ્પીકરે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ઉદ્ધવ જૂથ હાલમાં કોઈને પણ પાર્ટીમાંથી કાઢી શકે નહીં. રાષ્ટ્રીય કાર્યકારિણીની સલાહ લીધા વિના કોઈને પણ બહાર કરી શકાય નહીં. આ નિર્ણય એકનાથ શિંદે માટે રાહત સમાન છે કારણ કે બળવા સમયે ઉદ્ધવે તેમને પાર્ટીમાંથી બહાર કરવાની વાત કરી હતી.
રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે શિંદે જૂથ પાસે બહુમતી હતી, તેથી તેને પડકારી શકાય નહીં. તેમના આ એક નિર્ણયથી એકનાથ શિંદેની સીએમની ખુરશી બચી ગઈ છે. સ્પીકરે માન્યું કે 21 જૂન 2022ના રોજ જ્યારે હરિફ જૂથ બન્યું ત્યારે શિંદે જૂથ જ અસલી શિવસેના રાજનીતિક દળ હતું. આ સાથે જ અન્ય 15 ધારાસભ્યો પર લટકતી ગેરલાયકાતની તલવાર પણ ખતમ થઈ ગઈ છે. જે નેતાઓ પર આ તલવાર લટકતી હતી તેમના નામ આ પ્રકારે છે- સીએમ એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપન ભુમરે, સંજય શિરસાટ, તાનાજી સાવંત, યામિની જાધવ, ચિમનરાવ પાટીલ, ભરત ગોગાવે, લતા સોનાવને, પ્રકાશ સુર્વે, બાલાજી કિનીકર, અનિલ બાબર, મહેશ શિંદે, સંજય રાયમુલકર, રમેશ બોરનારે, બાલાજી કલ્યાણકર.
આ પણ વાંચો – સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય, આમંત્રણનો અસ્વીકાર કર્યો
ધારાસભ્યોની અયોગ્યતાના મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે હું ફક્ત એટલું કહેવા માંગીશ કે અમારી પાસે બહુમત છે. વિધાનસભામાં 50 સભ્ય એટલે કે 67 ટકા સભ્ય અને લોકસભામાં 13 સાંસદ એટલે કે 75 ટકા છે. આ આધારે ચૂંટણી પંચે અમને મૂળ શિવસેનાના રૂપમાં માન્યતા આપી છે અને ધનુષ-બાણ ચૂંટણી ચિન્હ આપ્યું છે.