Maharashtra NCP: મહારાષ્ટ્ર NCPમાં રાજકીય ગરમાવો રસપ્રદ બની રહ્યો છે. અજિત જૂથ અને શરદ પવાર બંને જૂથની બેઠક ચાલી રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NCPના 53 ધારાસભ્યોમાંથી 35 ધારાસભ્યો અજિત પવાર જૂથની બેઠકમાં હાજર છે, જ્યારે શરદ પવારની બેઠકમાં 13 ધારાસભ્યો હાજર છે.
કહેવામાં આવી રહ્યું છે કે, અજિત પવાર હજુ પણ પોતાના સમર્થક ધારાસભ્યોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ધારાસભ્યો બેઠકમાં આવ્યા ન હતા તેમની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. અજિત જૂથનો દાવો છે કે, તેમની પાસે 42 ધારાસભ્યો અને 3 એમએલસીનું સમર્થન છે.
શરદ પવાર સાથે 13 ધારાસભ્યો અને 5 સાંસદો – સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં જ્યાં શરદ પવારના નેતૃત્વમાં બેઠક ચાલી રહી છે ત્યાં 13 MLA, 3 MLC અને 5 MP હાજર છે. આ 13 ધારાસભ્યોમાં અનિલ દેશમુખ, રોહિત પવાર, રાજેન્દ્ર શિંગણે, અશોક પવાર, કિરણ લહમતે, પ્રાજક્તા તાનપુરે, બાળાસાહેબ પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, ચેતન વિઠ્ઠલ ટુપે, જયંત પાટીલ, રાજેશ ટોપે, સંદીપ ક્ષીરસાગર અને દેવેન્દ્ર ભુયારનો સમાવેશ થાય છે.
શરદ પવાર સાથે આ સાંસદ
ANI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શ્રીનિવાસ પાટીલ (લોકસભા), સુપ્રિયા સુલે (લોકસભા), અમોલ કોલ્હે (લોકસભા), ફૌઝિયા ખાન (રાજ્યસભા) અને વંદના ચવ્હાણ (રાજ્યસભા) એવા 5 સાંસદો છે જેઓ શરદ પવારની બેઠકમાં સામેલ થયા હતા. આ ઉપરાંત એમએલસી શશિકાંત શિંદે, બાબાજાની દુરાની, એકનાથ ખડસે પણ બેઠકમાં હાજર છે.
બેઠક પહેલા અજિત પવારે ધ્વજ ફરકાવ્યો હતો
મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે તેમના જૂથની બેઠક પહેલા ધ્વજ ફરકાવ્યો હતો. તેઓએ કહ્યું કે, અમારા બધા લોકો અહીં છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. પ્રફુલ્લ પટેલે બેઠક પહેલા પૂરતી સંખ્યામાં ધારાસભ્યોના સમર્થનની વાત પણ કરી હતી.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા છગન ભુજબળે કહ્યું કે, અમારી પાસે બહુમત સંખ્યા છે. તેમણે કહ્યું કે, અમારી પાસે 40 થી વધુ ધારાસભ્યો અને MLC છે. શપથ લેતા પહેલા અમે તમામ સાવચેતી રાખી છે. અમે એવા શપથ લીધા નથી.
બેઠકમાં કોણે શું કહ્યું
NDAમાં જોડાવાનો નિર્ણય વ્યક્તિગત નહીં, પાર્ટીનો છે : પ્રફુલ્લ પટેલ
પ્રફુલ્લ પટેલે કહ્યું, “હું શરદ પવાર સાથે પટનામાં સંયુક્ત વિપક્ષની બેઠકમાં ગયો હતો અને જે દ્રશ્ય જોયુ મને હસુ આવ્યું હતું. ત્યાં 17 વિરોધ પક્ષો હતા, 7માંથી લોકસભામાં માત્ર 1 સાંસદ છે અને એક પક્ષ એવો છે કે જેની પાસે 0 સાંસદ છે. તેઓ દાવો કરે છે કે, તેઓ પરિવર્તન લાવશે… અમે આ નિર્ણય (એનડીએમાં જોડાવાનો) દેશ અને અમારી પાર્ટી માટે લીધો છે, વ્યક્તિગત લાભ માટે નહીં.”
જ્યારે શિવસેનાની વિચારધારા સ્વીકારી, તો ભાજપ સાથે જવામાં શું વાંધો છેઃ પ્રફુલ્લ પટેલ
પ્રફુલ્લ પટેલે કહ્યું કે, જ્યારે આપણે શિવસેનાની વિચારધારાને સ્વીકારી શકીએ છીએ, તો ભાજપ સાથે જવામાં શું વાંધો છે? અમે સ્વતંત્ર એકમ તરીકે આ જોડાણમાં જોડાયા છીએ. જમ્મુ અને કાશ્મીરમાં, મહેબૂબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લાએ ભાજપનો સાથ આપ્યો અને હવે સંયુક્ત વિપક્ષનો ભાગ છે.
આ પણ વાંચો – 4 વર્ષમાં 4 વિભાજન, 3 વખત CM બદલાયા… કેવી રીતે જોડ-તોડની રમતમાં મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ બદલાયા
2004 માં કોંગ્રેસને સીએમ પદ ન મળ્યું હોત, આજે મહારાષ્ટ્રમાં માત્ર NCP જ સીએમ હોતઃ અજિત પવાર
અજિત પવારે કહ્યું કે 2004ની વિધાનસભા ચૂંટણીમાં NCP પાસે કોંગ્રેસ કરતાં વધુ ધારાસભ્યો હતા, જો અમે તે સમયે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો, આજદીન સુધી મહારાષ્ટ્રમાં એનસીપીના જ મુખ્યમંત્રી હોત. અજિત પવારે કહ્યું, 2017માં શિવસેના જાતીવાદી હતી, તો 2019માં અમે શિવસેના સાથે હતા, કેવી રીતે ગયા. અજિત પવારે બેઠકમાં કહ્યું કે, તેઓ હંમેશા શરદ પવારનું સન્માન કરે છે. હું જે કંઈ છું તે શરદ પવારના કારણે છું. વિકાસ માટે સરકારમાં જોડાયા થીએ. મહારાષ્ટ્ર માટે યોગ્ય નિર્ણય લીધો છે.