scorecardresearch
Premium

શું ડબલ ગેમ રમી રહ્યા છે શરદ પવાર અને અજિત પવાર? બન્નેની બેઠકોથી મહા વિકાસ અઘાડીમાં ભ્રમ

Maharashtra Politics : સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શરદ પવારની તેમના ભત્રીજા સાથેની વારંવારની મુલાકાતોનો હેતુ કોંગ્રેસ હજુ સુધી સમજી શકી નથી

ajit pawar | sharad pawar | Maharashtra Politics
ગત શનિવારે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે એક સિક્રેટ બેઠક થઈ હતી (Express file photo by Ganesh Shirsekar)

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે, ત્યારથી મહા વિકાસ આઘાડીમાં અજીબોગરીબ મૂંઝવણ જોવા મળી રહી છે. એમવીએમાં આ મૂંઝવણનું કારણ અજિત પવાર અને શરદ પવાર વચ્ચે થઇ રહેલી બેઠકો છે.

ગત શનિવારે કાકા-ભત્રીજા વચ્ચે એક સિક્રેટ બેઠક થઈ હતી, આ બેઠકથી એમવીએમાં ફેલાયેલો ભ્રમ વધારે વધ્યો છે. જોકે આ બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે આ બેઠક સિક્રેટ નથી. તેમણે સવાલ કર્યો કે મારો ભત્રીજો અમારા કુટુંબના એક સિનિયર સભ્યને મળે એમાં ખોટું શું છે?

એમવીએમાં શું છે ભ્રમ?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શરદ પવારની તેમના ભત્રીજા સાથેની વારંવારની મુલાકાતોનો હેતુ કોંગ્રેસ હજુ સુધી સમજી શકી નથી. રવિવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે માતોશ્રી ગયા હતા અને હાલની રાજકીય પરિસ્થિતિને લઇને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે અમે શરદ પવાર અને અજિત પવારની બેઠકની વાત કરી હતી. અમે સામાન્ય લોકોમાં સર્જાયેલી મૂંઝવણ અંગે ચિંતિત છીએ. અમને આ બાબતે વહેલી તકે સ્પષ્ટતાની જરૂર છે.

શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે માતોશ્રીમાં અજિત પવાર અને શરદ પવારની બેઠક અંગે ચર્ચા થઈ હતી. સંજય રાઉતે કહ્યું કે અમે જલ્દી શરદ પવારને મળવાની આશા રાખીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

આ પણ વાંચો – શરદ પવારે કહ્યું – કેટલાક શુભેચ્છકો મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાજપ સાથે હાથ મિલાવશે નહીં

ભાજપની પણ બેઠકો પર નજર

અજિત પવાર અને શરદ પવાર વચ્ચે ચાલી રહેલી બેઠકોને લઇને એમવીએમાં અસમંજસની સ્થિતિ છે તો બીજી તરફ ભાજપ પણ બંનેની બેઠકો પર નજર રાખી રહ્યું છે. ભાજપના સૂત્રો કહે છે કે તેમને આશા છે કે અજિત પવાર તેમના કાકાને મનાવવામાં સફળ રહેશે. સાથે જ શિંદે અને ભાજપમાં એક વર્ગ એવો પણ છે જેમને લાગે છે કે કાકા-ભત્રીજાઓ ડબલ ગેમ રમી રહ્યા છે.

શરદ પવારે શું કહ્યું?

એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું હતું કે પૂણેમાં અજિત પવાર સાથેની મુલાકાતને લઈને એમવીએમાં કોઈપણ પ્રકારની ભ્રમની સ્થિતિ નથી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે એમવીએ એકજૂટ છે અને અમે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની જોડાણની આગામી બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરીશું.

શરદ પવારે મીડિયાને એક જ સવાલ વારંવાર પૂછીને ભ્રમ ઊભો ન કરવા તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં, ઉદ્ધવ ઠાકરે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકના આયોજનની જવાબદારી લીધી છે. અજીત પવાર અંગે તેમણે કહ્યું હતું કે ભાજપ સાથે હાથ મિલાવનાર એમવીએ સિવાયના જૂથને એનસીપી સાથે કોઇ સંબંધ નથી.

Web Title: Maharashtra politics misgivings in maha vikas aghadi over another sharad pawar ajit pawar meeting ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×