maharashtra politics : અજિત પવાર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં સામેલ થયા બાદ એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. આ પછી રાજ્યમાં રજૂ થયેલી આ સ્ક્રિપ્ટમાં નવા નવા નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વર્ષ 2019માં સરકાર બનાવવા અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને અજિત પવાર વિશે ઘણી મોટી વાતો કહી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 2019માં ઉદ્ધવજીએ છેતરપિંડી કરી હતી. તેમણે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરી પરંતુ ડબલ ગેમનો સવાલ હોય તો પવારજીએ કરી બતાવ્યું છે.
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં બહુમતી મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના ધ્યાનમાં આવ્યું કે નંબર એવા છે કે તેઓ અમારાથી અલગ થઇને અન્ય બે લોકો સાથે જાય તો સરકાર બની શકે છે. જો અમારી પાસે 10 બેઠકો વધુ હોત તો ઉદ્ધવ ઠાકરેએ આવું ન કર્યું હોત, કારણ કે સંખ્યા એવી હતી કે જ્યાંથી તેઓ અલગ થઇને સરકાર બનાવી શકતા હતા. આ કારણે તેમણે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત શરૂ કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ અમારો ફોન ન ઉપાડ્યો – દેવેન્દ્ર ફડણવીસ
ડેપ્યુટી સીએમે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અમારો ફોન પણ ઉપાડતા ન હતા, અમારી સાથે વાતચીત કરવા પણ તૈયાર ન હતા. એ પછી મને સમજાયું કે તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે. દેવેન્દ્રએ કહ્યું હતું કે રાજકારણમાં પણ એવું બને છે કે આવા સમયમાં આપણે પણ વળતો જવાબ આપવો પડે છે. એનસીપીના કેટલાક લોકોએ અમારી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ ત્રણેય પાર્ટીઓની વાતચીત ચાલી રહી છે. અમને નથી લાગતું કે આવી સરકારો ચાલશે. અમને લાગે છે કે ભાજપ અને આપણે સાથે આવવું જોઈએ. આપણે મહારાષ્ટ્રમાં એક મજબૂત અને સ્થિર સરકાર પ્રદાન કરી શકીશું.
આ પણ વાંચો – અજિત પવારે શરદ પવારને કહ્યું – તમારી ઉંમર 80ને વટાવી ગઇ છે, રિટાયર્ડ કેમ થતા નથી
ફડણવીસે કહ્યું કે આ પછી અમે અમારા પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી. મેં પાર્ટીને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ દગો આપ્યો છે. ઠાકરે આપણી સાથે આવવાના નથી, તેથી આપણે ઓછામાં ઓછું એ સુનિશ્ચિત કરવાનું છે કે તેઓ સફળ ન થાય. આ પછી મને પરમિશન મળી ગઇ અને મેં એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક કરી હતી. શરદ પવારે સ્વીકાર્યું કે તેઓ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપશે. ભાજપ અને એનસીપી એક સાથે આવશે. શરદ પવારે મને અને અજિત પવારને આ જવાબદારી સોંપી હતી.
ફડણવીસે કહ્યું કે અમે અને અજિત પવારે મંત્રી અને પોર્ટફોલિયોને લગતી ઘણી બાબતો નક્કી કરી હતી, પરંતુ તે પછી શરદ પવારે પીછેહઠ કરી હતી. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે જવાનો નિર્ણય કર્યો. આ પછી અજિત પવારે કહ્યું હતું કે આટલા આગળ ગયા પછી હું પાછો આવી શકું નહીં. હું આવું કામ કરી શકતો નથી કારણ કે તમે મને આગળ રાખ્યો અને મને જવાબદારી આપી. તે પછી અમે આગળ વધ્યા અને શપથ લીધા હતા.
ડેપ્યુટી સીએમે ફડણવીસે કહ્યું કે તે સમયે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જે લોકો અજિત પવારની સાથે હતા તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હોત કારણ કે પાર્ટી આવી ન હતી, લોકો આવ્યા હતા. જેથી અજિત પવાર પાછા ગયા હતા. ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી દગો આપવાની વાત છે તો તે ઉદ્ધવ ઠાકરેએ કર્યું છે. ડબલ રોલની વાત કરીએ તો શરદ પવારજીએ કર્યું છે.
ડિપ્ટી સીએમ બનતા સમયે થોડુંક ખરાબ લાગ્યું – ફડણવીસ
એક અન્ય સવાલના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જ્યારે ગત વર્ષે બીજેપી હાઇકમાન્ડે મને કહ્યું કે તમારે સરકારમાં જવું જોઈએ તો મને થોડું ખરાબ લાગ્યું કે લોકો શું કહેશે કે જે રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે તે હવે ડિપ્ટી ચીફ મિનિસ્ટર બનવા જઈ રહ્યા છે. સત્તા માટે તે કેટલા લાલચું છે. બીજેપી નેતાએ કહ્યું કે એક વર્ષ પછી હું માનું છું કે મારી પાર્ટીનો નિર્ણય સાચો હતો. કારણ કે તમે કોઇપણ કાર્ય સરકારમાં રહીને કરી શકો છો, સરકારની બહાર રહીને કરી શકો નહીં.