Shiv Sena controversy : મહારાષ્ટ્રના રાજકીય ડ્રામા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય લોકતંત્ર અને લોકતાંત્રિક પ્રક્રિયાની જીત છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમે સંતુષ્ટ છીએ. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જે લોકો આજે આ સરકાર પડી જશે તેવી અટકળો લગાવી રહ્યા હતા તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૌન બની ગયા છે.
આ દરમિયાન તેમણે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેને નૈતિકતા પર બોલવાનો અધિકાર નથી. દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીના કાવતરાનો પરાજય થયો છે. કોઈને શંકા ન હોવી જોઈએ. મહારાષ્ટ્ર સરકાર પુરી રીતે કાયદેસર છે. ઉદ્ધવ ઠાકરેએ નૈતિક આધાર પર નહીં પરંતુ હારના ડરથી રાજીનામું આપ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તમે રાજીનામું આપ્યું હતું. તમારી પાસે અલ્પમત હતો, કેટલા લોકો બચ્યા હતા? તેઓ જાણતા હતા કે તેઓ પરાજિત થશે અને પછી રાજ્યપાલે જે નિર્ણય લીધો તે યોગ્ય હતો. અમે શિવસેના અને બાળાસાહેબની વિચારધારાને બચાવવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર શિવસેના વિવાદ : એકનાથ શિંદે સરકારને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, ‘ઉદ્ધવ ઠાકરેએ શું મોટી ભૂલ કરી’
ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી યોજાઈ ત્યારે નૈતિકતાની વાત કરવી જોઈતી હતી. ત્યારે પ્રજાનો નિર્ણય જોઈને જો નૈતિકતાની વાત કરી હોત તો ભાજપ-શિવસેનાની સરકાર બની ગઈ હોત પરંતુ તેમણે ખુરશી મેળવવા માટે નિર્ણય કર્યો હતો.
સુપ્રીમના ચૂકાદા બાદ ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેની સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઉદ્ધવે કહ્યું કે મેં જે લોકોને સમર્થન આપ્યું, તેમણે જ મને દગો આપ્યો. હું વિશ્વાસઘાતી લોકો સાથે સરકાર ચલાવી શકતો ન હતો, તેથી મેં નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું. જો આ સરકારમાં કોઈ નૈતિકતા હોય તો કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.