maharashtra cabinet expansion : મહારાષ્ટ્રમાં વિભાગની વહેંચણીને લઇને ચાલી રહેલી અડચણો વચ્ચે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર અને પ્રફુલ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એનસીપી નેતા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ સાથે બેઠક માટે બુધવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે અજિત પવાર જૂથને વિત્ત મંત્રાલય આપવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રના નવનિયુક્ત ડિપ્ટી સીએમ અજિત પવારને નાણાં મંત્રાલય આપવાની વાત લગભગ નિશ્ચિત થઇ ચુકી છે. હવે ફક્ત ઔપચારિક જાહેરાત બાકી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અજિત પવારે મહેસૂલ, સિંચાઈ, ગ્રામીણ વિકાસ, પર્યટન, સામાજિક ન્યાય, મહિલા અને વિકાસ અને આબકારી જેવા વિભાગોમાં પણ રસ દાખવ્યો છે.
કોઈ કેન્દ્રીય મંત્રાલયની માંગ નથી: પ્રફુલ પટેલ
એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનમાં તિરાડ પડી હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે વિભાગોની ફાળવણીનો મુદ્દો હલ થઈ ગયો છે અને એક કે બે દિવસમાં રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. એનસીપી કેન્દ્ર સરકારમાં જોડાશે કે કેમ તેવા સવાલના જવાબમાં પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે અમે કોઈ કેન્દ્રીય મંત્રાલયની માગણી મુકી નથી.
અજિત પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી
પ્રફુલ પટેલે કહ્યું કે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે આ માત્ર શિષ્ટાચાર મુલાકાત છે. અજિત દાદા અને મેં ભાજપના ટોચના નેતૃત્વ સાથે કોઈ ઔપચારિક બેઠક કરી નથી. પટેલ અને અજિત પવાર ઉપરાંત એનસીપીના વરિષ્ઠ નેતા હસન મુશરીફ પણ દિલ્હી પહોંચ્યા છે. જોકે પટેલે જણાવ્યું હતું કે હસન મુશરીફ અહીં કોઈ અંગત કામ માટે આવ્યા છે અને તેઓ ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં અજિત પવાર અને તેમની સાથે જોડાશે નહીં. પટેલે જણાવ્યું હતું કે અજિત પવાર અને તેઓ 18 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે જ્યારે ભાજપ દ્વારા એનડીએના દળોની બેઠક બોલાવવામાં આવી છે.
કાનૂની લડાઈ પર ચર્ચા
એનસીપીના નેતાઓની ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતમાં આગળની કાનૂની લડાઈ અંગે ચર્ચા થઈ હતી. જે પછી શિવસેના શિંદે જૂથની જેમ અજિત પવાર જૂથનો કેસ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે લડી શકે છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટ અને ચૂંટણી પંચમાં શરદ પવાર જૂથનું પ્રતિનિધિત્વ કરશે. અજિત પવાર જૂથ એમ કહી રહ્યું છે કે તેમની પાસે પક્ષના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે, તેમને પક્ષ અને ચૂંટણી ચિહ્ન પર અધિકાર છે. જ્યારે શરદ પવાર જૂથનો દાવો છે કે પાર્ટી પર તેમનો અધિકાર છે.