Loksabha Election 2024 : કોંગ્રેસમાં જોવા મળ્યો મોટો ફેરફાર, પાર્ટીએ સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં હવે આ જવાબદારી પ્રિયંકા ગાંધીના સ્થાને અવિનાશ પાંડેને સોંપવામાં આવી છે. 2024 ની લોકસભા ચૂંટણી પહેલા આને નિર્ણાયક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. મોટી વાત એ છે કે, તમામ ફેરફારો વચ્ચે આ વખતે પ્રિયંકા ગાંધીને કોઈ અલગ પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી.
જે યાદી બહાર આવી છે, તે મુજબ રણદીપ સુરજેવાલાને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે, મુકુલ વાસનિકને ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જિતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. તો ગુજરાતના કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને જમ્મુ અને કાશ્મીની જવાબદારી સોંપવામાં આવી છે.
કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાને મહારાષ્ટ્રના AICC પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે દીપા દાસમુન્શીને કેરળ અને લક્ષદ્વીપના AICC પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને તેલંગાણા કોંગ્રેસના વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો.
આ બાજુ કોંગ્રેસ નેતા જીએ મીરને ઝારખંડના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. અગાઉ છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી કુમારી સેલજાને હવે ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો – Explained Republic Day 2024 : ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય અતિથિ કેવી રીતે પસંદ કરે છે?
આ મહિનાની શરૂઆતમાં, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, અને પ્રથમ બે રાજ્યોમાં સત્તા ગુમાવી હતી.