ઉત્તર પ્રદેશમાં કોણ કેટલી લોકસભા સીટ જીતશે, સર્વે : લોકસભા ચૂંટણી 2024 ની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, છતાં દેશભરના લોકો જાણવા માંગે છે કે, કઈ પાર્ટી કેટલી સીટો જીતી શકે છે. લોકસભા સીટોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે અને એવું કહેવાય છે કે, દિલ્હીનો રસ્તો યુપીથી જાય છે, તેથી જ એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન બંને આ રાજ્ય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ઈન્ડિયા ટુડે અને સી વોટર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલ સર્વે દર્શાવે છે કે, ભાજપ ફરી એકવાર યુપીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભાજપ યુપીમાં લગભગ 70 સીટો જીતી શકે છે અને તેનો વોટ શેર લગભગ 50% રહેવાની ધારણા છે.
વર્ષ 2019 માં, ભાજપે યુપીમાં 62 બેઠકો જીતી હતી અને બે બેઠકો ભાજપના સહયોગી અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળ એસ દ્વારા જીતવામાં આવી હતી. અપના દળ એસને ફરી એકવાર યુપીમાં બે બેઠકો મળવાની અપેક્ષા છે. ઈન્ડિયા ટુડે – સી વોટરના આ સર્વેમાં 35,801 લોકોએ ભાગ લીધો છે. આ સર્વે 15 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી, 2024 વચ્ચે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર રાજકારણ : અજિત પવાર શરદ પવાર જૂથના પહેલા જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, હવે શું થશે?
વિપક્ષને કેટલી બેઠકો મળશે?
ઈન્ડિયા ટુડેના આ ઓપિનિયન પોલમાં વિપક્ષ માટે ચિંતાજનક અંદાજો સામે આવ્યા છે. સર્વેમાં સામે આવ્યું છે કે, વિપક્ષ દ્વારા જીતવામાં આવેલી કુલ બેઠકોની સંખ્યા 10 થી ઓછી હોઈ શકે છે. સર્વેમાં સપાને સાત સીટ અને કોંગ્રેસ પાર્ટીને એક સીટ મળવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે માયાવતીની પાર્ટી માટે ખાતુ પણ ખોલવુ મુશ્કેલ લાગે છે. લોકસભા ચૂંટણી 2019માં, SP અને BSP એ સાથે મળીને ચૂંટણી લડી હતી, જ્યારે SP ને 5 અને BSP ને 10 બેઠકો મળી હતી. કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી હતી.