scorecardresearch
Premium

2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે યુપીના નાના પક્ષો, વધુ સારી ડીલ માટે ગઠબંધનના વિકલ્પો ખુલ્લા રાખ્યા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા નાના પક્ષો પણ ફુલ એક્ટિવ મોડમાં જોવા મળે છે. નાના પક્ષોએ રાજ્યમાં બેઠકોની વહેંચણી અને જોડાણને લઈને મોટા પક્ષો સાથે સોદાબાજી કરવાના તેમના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કર્યું છે

Lok Sabha Elections 2024, Lok Sabha, Elections 2024
લોકસભા ચૂંટણી 2024ને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે

Lalmani Verma : લોકસભા ચૂંટણી 2024ને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશની પ્રમુખ પાર્ટીઓ ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. આવી સ્થિતિમાં નાના પક્ષો પણ ફુલ એક્ટિવ મોડમાં જોવા મળે છે. નાના પક્ષોએ રાજ્યમાં બેઠકોની વહેંચણી અને જોડાણને લઈને મોટા પક્ષો સાથે સોદાબાજી કરવાના તેમના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કર્યું છે.

રાજ્યમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી), મહાન દળ અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) જેવા પક્ષોને કેટલીક જાતિઓનું સમર્થન મળે છે. કેટલાક ક્ષેત્રોમાં સાથે મળીને સક્રિય છે, જે તેમના મોટા સાથીઓને તેમના મત આધારને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. મે મહિનામાં ભાજપે સંકેત આપ્યા હતા કે તે ફરીથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. સુહેલદેવ પાર્ટી પૂર્વી યુપીમાં વિવિધ બિન-યાદવ ઓબીસી અને દલિતોમાં પોતાનું સમર્થન હોવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં ઓમ પ્રકાશ રાજભરના નેતૃત્વમાં સંગઠન ઓછામાં ઓછી 12 લોકસભા સીટો પર ભાજપને મદદ કરી શકે છે.

જાણો ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીએ શું કર્યો દાવો

એસબીએસપીએ દાવો કર્યો હતો કે તેણે એક સર્વે કર્યો હતો. જેમાં સંકેત આપવામાં આવ્યા હતા કે તે લગભગ 32 લોકસભા સીટો પર પોતાનો પ્રભાવ બતાવી શકે છે. ભાજપ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ 2017ની વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડી હતી. ત્યારે ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીએ ચાર સીટો જીતી હતી, પરંતુ બંને પાર્ટીઓ વચ્ચેનું ગઠબંધન તે જ વર્ષે તૂટી ગયું.

તાજેતરમાં જ વારાણસીમાં રાજભરના પુત્ર અરુણના લગ્ન સમારંભમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સમાજવાદી પાર્ટી (સપા) અને આરએલડીના નેતાઓ હાજર રહ્યા હતા. તેમની હાજરીએ એ મુદ્દાને રેખાંકિત કર્યો કે એસબીએસપી તેના ચૂંટણી જોડાણ માટે બહુવિધ વાટાઘાટો માટે તેના વિકલ્પો ખુલ્લા રાખી રહી છે.

આ પણ વાંચો – સપાના અખિલેશ યાદવની શું છે ચૂંટણીલક્ષી રણનીતિ?, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 64 બેઠક પર ભાજપ-એનડીએનો કબજો

મહાન દળ આ વખતે બસપા સાથે

અન્ય એક ઘટનાક્રમમાં સપા સાથે જોડાણ કરીને 2022ની વિધાનસભાની ચૂંટણી લડનારા મહાન દળે બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી હતી. તેણે ફારૂખાબાદ, કાસગંજ, શાહજહાંપુર અને બદાયૂં વિસ્તારોમાં પોતાનું અભિયાન શરૂ કર્યું છે. દિવાલો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે મહાન દલે ઠાના હૈ, બસપા કો જીતાના હૈ.

મહાન દળના વડા કેશવ દેવ મૌર્યએ કહ્યું કે સપા પ્રમુખ અખિલેશ યાદવે ગઠબંધનમાં મારી અવગણના કરી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ હું ગઠબંધનમાંથી બહાર નીકળી ગયો હતો. હું ભાજપને હરાવવા માટે પ્રતિબદ્ધ હોવાથી અમારી પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં બસપાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

મહાન દળ દ્વારા દિવાલો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે મહાન દલે ઠાના હૈ, બસપા કો જીતાના હૈ (BSP).

કેશવ દેવ મૌર્યએ કહ્યું કે શાક્ય, સૈની, કુશવાહા અને મૌર્ય (સમુદાયો)ની મારી વોટબેંક 2007 સુધી બસપાને ટેકો આપતી રહી હતી. મહાન દળ ટૂંક સમયમાં બસપાના સમર્થનમાં વિધાનસભા મત વિસ્તારોમાં બેઠકો યોજશે. જોકે તેમણે દાવો કર્યો હતો કે તેમણે હજુ સુધી બસપાના કોઈ નેતા સાથે વાત કરી નથી. માયાવતીની આગેવાની હેઠળની પાર્ટી દલિતોમાં નોંધપાત્ર આધાર ધરાવે છે, ત્યારે 2024માં તેના નસીબને પુનર્જીવિત કરવા માટે તેમને ઓબીસી અને મુસ્લિમોના સમર્થનની પણ જરૂર પડશે.

2009 અને 2014માં મહાન દળને એક પણ સીટ મળી ન હતી

કોંગ્રેસે 2009 અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ઓબીસી અને મુસ્લિમ મતદારો સુધી પહોંચવા માટે મહાન દળ સાથે હાથ મિલાવ્યા હતા. જોકે આ બંને ચૂંટણીમાં મહાન દળ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની પણ જાહેરાત કરી હતી પરંતુ બાદમાં ભાજપને સમર્થન આપ્યું હતું.

બીજી તરફ પશ્ચિમ યુપીમાં જાટ મતદારોમાં આરએલડીનો મજબૂત આધાર છે. આરએલડીએ એસપીનો મુખ્ય સાથી છે. તેણે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 2.85 ટકા મત શેર મેળવીને આઠ બેઠકો જીતી હતી. તાજેતરની શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પાર્ટીએ નગરપાલિકાઓ અને નગર પંચાયતોમાં સાત-સાત બેઠકો જીતી હતી.

આરએલડી 1500 ગામોમાં જાહેર સભાઓ યોજશે

સપાએ હજુ ગઠબંધનમાં તિરાડ પડવાના સંકેત આપ્યા નથી. જોકે આરએલડીના વડા જયંત ચૌધરી ચૂંટણી મોડમાં છે. તેઓ મતોને ધ્યાનમાં રાખીને દલિત-મુસ્લિમ-જાટ સંમેલનના સામાજિક સમરસતા અને સોશિયલ એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમરસ્ત અભિયાન કાર્યક્રમ ચલાવી રહ્યા છે. પાર્ટીની યોજના છે કે ચૂંટણી પહેલા પશ્ચિમ ઉત્તર પ્રદેશના 1500 ગામોમાં આ પ્રકારની જનસભાઓ કરવામાં આવે. આ સાથે જ યુપીમાં ગઠબંધનની રાજનીતિમાં અન્ય નાના પક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

જનવાદી સોશિયાલિસ્ટ પાર્ટી અને અપના દળ (કમરાવાડી) બંને આ જોડાણનો ભાગ હતા. જે 2022માં સપા દ્વારા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. પૂર્વી યુપીના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં બિંદ અને કશ્યપ સમુદાયો મોટી સંખ્યામાં છે. કુર્મી નેતા સોનેલાલ પટેલ દ્વારા સ્થાપિત અપના દળ એક નાનું જૂથ છે. પટેલની પુત્રી પલ્લવી પટેલે તે વર્ષે સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને સુરથુમાં કેશવ પ્રસાદ મૌર્યને 7,000 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. તેની નાની બહેન અનુપ્રિયા પટેલ અપના દળ (સોનેલાલ)ના અધ્યક્ષ છે, જે યુપી અને કેન્દ્રમાં બન્નેમાં ભાજપના સહયોગી છે.

2022ની ચૂંટણીમાં અપના દળે (એસ) 17 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેમાંથી 15 બેઠકો જીતી હતી. ભાજપ અને સપા પછી હવે પાર્ટી રાજ્યની વિધાનસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.

હાલમાં નિષાદ પાર્ટીના 6 ધારાસભ્યો છે

ભાજપના અન્ય એક સાથી પક્ષ નિષાદ પક્ષ પાસે છ ધારાસભ્યો છે. તેના અધ્યક્ષ સંજય કુમાર નિષાદ પણ યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી છે. અપના દળ (એસ) અને નિષાદ પાર્ટી બંનેને સમાવવા માટે ભાજપે 2022માં 14 બેઠકો પર તેના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. ભાજપના સૂત્રોએ સંકેત આપ્યો છે કે નિષાદ પાર્ટી ટૂંક સમયમાં 2024ની લોકસભાની ચૂંટણી માટે યુપીમાં બેઠકોની વહેંચણી અંગે ભાજપ સાથે વાતચીત શરૂ કરશે.

એઆઈએમઆઈએમએ મુસ્લિમ મતોમાં ગાબડું પાડ્યું હતું

નાના પક્ષોમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) છે. હૈદરાબાદ સ્થિત અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી પાર્ટીએ 2022ની યુપી ચૂંટણીમાં 95 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી હતી. તે 4.5 લાખ વોટ મેળવવામાં સફળ રહી અને કેટલીય સીટો પર સપાના મોટા ગઠબંધનમાં ગાબડું પાડ્યું હતું. તાજેતરની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એઆઈએમઆઈએમએ મ્યુનિસિપલ કાઉન્સિલમાં પ્રમુખની ત્રણ બેઠકો અને નગર પંચાયતમાં બે બેઠકો જીતીને પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. પાર્ટીએ 19 મ્યુનિસિપલ કાઉન્સિલરની બેઠકો પણ જીતી છે. એઆઈએમઆઈએમએ હજુ સુધી 2024ની ચૂંટણીઓ માટેની તેની યોજનાઓની જાહેરાત કરી નથી.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Lok sabha elections 2024 up smaller parties circle seats keep alliance options open for better deal

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×