લોકસભા ચૂંટણી 2024 પહેલા ઈન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલાને લઈને દિલ્હીથી કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સર્વસંમતિ ઊભી થતી જોવા મળી રહી છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે, દિલ્હીમાં 7 લોકસભા સીટોના વિભાજનને લઈને આપ-કોંગ્રેસ વચ્ચે સહમતી બની ગઈ છે.
કોંગ્રેસ દિલ્હીમાં 3 બેઠકો પર ચૂંટણી લડી શકે છે અને 4 બેઠકો AAP ઉમેદવારો માટે રહેશે. આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી અને નવી દિલ્હીથી ચૂંટણી લડી શકે છે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉભા કરી શકે છે.
લોકસભા ચૂંટણી 2024 – અરવિંદ કેજરીવાલે કહ્યું, મામલો અંતિમ તબક્કામાં છે
બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઘણું મોડું થઈ ગયું છે પરંતુ મામલો હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. અરવીંદ કેજરીવાલે કહ્યું હતું કે, બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે. 2019 અને 2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો જીતી હતી.
એવું માનવામાં આવતું હતું કે, શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને માત્ર એક સીટ ઓફર કરી હતી પરંતુ, હવે લાગે છે કે, વધુ સીટો પર સહમતિ સધાઈ રહી છે.
આ પણ વાંચો – ખેતી તો ચીન પણ કરે છે, અને ખેડૂતો તો અમેરિકામાં પણ છે… તો પછી ભારત કેમ આટલું પરેશાન
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સંદીપ પાઠકનું નિવેદન પણ હેડલાઈન્સમાં આવ્યું છે. પાઠકે કહ્યું હતું કે, યોગ્યતાના આધારે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક પણ બેઠક માટે હકદાર નથી, ‘ગઠબંધનના ધર્મ’ને ધ્યાનમાં રાખીને અમે તેમને દિલ્હીમાં એક બેઠક ઓફર કરી રહ્યા છીએ. પંજાબમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે લડવાની વાત કરી ત્યારે બંને પક્ષો વચ્ચેની ખટાશ પણ સામે આવી હતી. હાલ પંજાબને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી પરંતુ, દિલ્હીમાં આપ સાથે અને ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. જ્યાં કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે.