uttar pradesh : મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા પછી યુપીના એસબીએસપી પાર્ટીના નેતા ઓમ પ્રકાશ રાજભરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું હતું કે યુપીમાં પણ મોટી રાજકીય ઉથલપાથલ થવાની છે. ઓમ પ્રકાશ રાજભરે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે સપાના ઘણા ધારાસભ્યો અને સાંસદો પાર્ટી છોડીને સરકારના વિસ્તરણમાં જોડાવા માંગે છે. ઘણા લોકોને લોકસભાની ટિકિટ જોઈએ છે. તેઓ દિલ્હીથી લખનઉ સુધી બેઠા છે. અહીં પણ મહારાષ્ટ્ર જેવી રમત થવાની છે.
ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટીના ઘણા સાંસદો અને ધારાસભ્યો અખિલેશ યાદવના વલણથી નારાજ છે. તેમણે કહ્યું કે સપામાં નેતાઓને ભવિષ્ય દેખાતું નથી. તેઓ ભાજપ સહિત અન્ય પક્ષોનો સંપર્ક કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે આજે મુસ્લિમોને ચાર જુથમાં વહેંચી દેવામાં આવ્યા છે. મુસ્લિમો ભાજપને પણ મત આપી રહ્યા છે, બસપાને મત આપી રહ્યા છે, કોંગ્રેસ અને સપામાં પણ મુસ્લિમ વોટ જઈ રહ્યા છે. હવે તે સમય ખતમ થઈ ગયો છે, સપાને મુસ્લિમોના વોટ તો જોઈએ છે પરંતુ આપવું કશું જ નથી. સમાજવાદી પાર્ટી સત્તામાં હતી ત્યારે કોઈ પણ મુસ્લિમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા ન હતા. ડેપ્યુટી સીએમની વાત તો જવા દો 9 ટકા યાદવે 18 ટકા મુસ્લિમો સાથે ચાર વખત સરકાર બનાવી હતી. એક વખત સીએમ બનાવી દીધા હોત તો કહેવા લાયક હોત. હવે કયા મોઢેથી માંગશે મત?
આ પણ વાંચો – દિલ્હી પર નીતિશ કુમારની નજર, શું યુપીમાં થઇ શકે છે લોન્ચપેડ? પ્રદેશ જેડી(યુ)એ સપા સાથે ગઠબંધન પર ભાર આપ્યો
ઓમ પ્રકાશ રાજભરે એવો પણ દાવો કર્યો હતો કે સપાના ઘણા નેતાઓ તેમના સંપર્કમાં છે. જો કે તેમણે આ નામ જણાવવાની ના પાડી દીધી હતી.
વિપક્ષી એકતાના અલગ સૂર ઊઠાવવાના સવાલ પર તેમણે કહ્યું કે જો માયાવતીને વિપક્ષી કેમ્પમાં સામેલ કરવામાં આવશે તો તેઓ તેમની સાથે જશે. તેમણે કહ્યું કે વિપક્ષી એકતાના સમર્થકો કેસીઆરને મળે છે પરંતુ માયાવતીને મળતા નથી. આજની સ્થિતિએ બસપા પાસે 80 લોકસભા સીટો પર એક લાખથી વધુ વોટ છે. તેમણે દાવો કર્યો હતો કે જયંત ચૌધરી માયાવતીની રાહ જોઈ રહ્યા છે. માયાવતી 2014 માટે ગેમ ચેન્જર છે. તેમની પાસે 13 પ્રાંતોમાં જનાધાર છે. અમે માયાવતી સાથે ગઠબંધન માટે તૈયાર છીએ. કોંગ્રેસ માયાવતીને પણ વિપક્ષના મોરચામાં સામેલ કરાવવાનો પ્રયાસ કરી રહી છે.