Mahagathbandhan Oopposition unity meeting at Patna : લોકસભા ચૂંટણી 2024ની માટે વિપક્ષી એકતાની પ્રથમ સત્તાવાર બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ મહાગઠબંધન બેઠકમાં તમામ મુખ્ય વિરોધ પક્ષોએ ભાગ લીધો, ઘણા અગ્રણી નેતાઓ આવ્યા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન ક્યારેક તણાવ જોવા મળ્યો તો ક્યારેક સહમતિ જોવા મળી હતી. પરંતુ ત્યારબાદમાં જ્યારે તેઓ મીડિયા સામે આવ્યા ત્યારે રાજકીય ચિત્ર રજૂ કરાયુ કે, તમામ વિપક્ષો એક થયા છે, સારી ચર્ચાઓ થઈ છે અને 12મી જુલાઈએ બધા ફરી મળવાના છે.

હવે મહાગઠબંધનની આ બેઠક રાજકીય દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીયે મહાગઠબંધનની આ પ્રથમ બેઠકની 10 મુખ્ય વાતો
- વિપક્ષના મહાગઠબંધનની પ્રથમ સત્તાવારા બેઠક 23 જૂન, 2023ના રોજ બિહારના પટનામાં યોજાઇ છે. આ બેઠકનું આયોજન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યુ હતુ. તેમની તરફથી જ સૌપ્રથમ તમામ રાજ્યોમાં જઇને વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી, ત્યારબાદ આજે એટલે કે 23 જૂને પટનામાં પ્રથમ મહાગઠબંધનની બેઠક યોજાઇ છે.
- વિપક્ષ એકતાની આ બેઠકનો એજન્ડા પહેલાથી જ નક્કી હતો – ભાજપની વિરુદ્ધ 2024ની લોકસભા ચૂંટણીમાં કેવી રીતે એક થવા. આ અતંર્ગત જ્યારે બેઠકમાં ચર્ચા શરૂ થઇ, તો તમામ રાજકીય પક્ષો એ વાત પર સહમત થયા કે પરસ્પદ મતભેદ ભૂલીને એક સાથે આવવું જોઇએ. એક સંયુક્ત રણનીતિ બનાવવાની વાત પર પણ ભાર મૂકાયો.
- આ બેઠક દરમિયાન જો કે ચર્ચા લોકસભા ચૂંટણીને લઈને થઈ હતી, પરંતુ ઘણા નેતાઓએ પોતાના રાજ્યોના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. આ ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી વટહુકમ વિરુદ્ધ દરેકનું સમર્થન માંગ્યું હતું. તો પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ 370નો મુદ્દો ઉઠાવ્યો હતો.
- આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલે આગ્રહ કર્યો કે કોઈપણ વિપક્ષી નેતાએ અલગ-અલગ નિવેદનો ન આપવા જોઈએ. એટલે કે સભામાં જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, તેવા જ નિવેદનો મીડિયાની સામે પણ આપવા જોઈએ.
- બેઠકમાં મમતા બેનર્જીએ મોટી મોટી વાતો કરી. તેમના તરફથી કહેવામાં આવ્યું કે બંગાળ કોંગ્રેસ જે રીતે ટીએમસી સામે વિરોધ કરી રહી છે તે ખોટું છે. દરેક વ્યક્તિએ મોટું દિલ રાખવું જોઈએ. મમતાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે પરસ્પર એકબીજા સાથે લડવાથી ભાજપને ફાયદો થાય છે.
- મહાગઠબંધનની પ્રથમ બેઠક સમાપ્ત થયા બાદ બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યુ કે, તમામ પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા, એ વાત પણ સહમતિ વ્યક્ત કરાઇ કે સાથે મળીને ચૂંટણી લડવી છે. એવી ઘોષણા કરાઇ છે કે 12 જુલાઇના રોજ એક વાર ફરી તમામ પક્ષો મળીશું.
- લાંબા સમય બાદ રાજદના વડા લાલુ પ્રસાદ યાદવે પણ મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે હું હવે ફિટ છું, મોદી-શાહની ખરાબ હાલત થવાની છે. તેમના તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. લાલુએ કહ્યું કે રાહુલે લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું.
- લાલુ પ્રસાદ યાદવે પોતાની જૂની સ્ટાઈલમાં કેટલીક રમુજી વાતો પણ કહી. તેમણે રાહુલ ગાંધીને જલ્દી લગ્ન કરવાની સલાહ પણ આપી. તેમણે એવું પણ કહ્યું કે જો તેઓ લગ્ન કરશે તો તેના જાનૈયાઓ તમામ પક્ષોના નેતાઓ હશે.
- આમ તો વિપક્ષની બેઠક બાદ રાહુલ ગાંધીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ભાજપ સામેની આ રાજકીય લડાઈને વિચારધારા સાથે જોડી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપ અને સંઘ દેશના પાયા પર પ્રહારો કરી રહ્યા છે, તેને રોકવા જરૂરી છે.
- અખિલેશ યાદવ, શરદ પવાર, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ પણ બેઠકમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બધાએ વિપક્ષ એકતા વિશે વાત કરી અને સ્પષ્ટતા કરી કે સંયુક્ત કાર્યક્રમ હેઠળ આગળની રણનીતિ ઘડવામાં આવશે.
આ પણ વાંચોઃ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને આપી લગ્ન કરવાની સલાહ, કહ્યું – લગ્ન કરો અમે બધા જાનૈયા બનીશું
મહાગઠબંધનની આગામી બેઠક શિમાલામાં યોજાશે
પટનામાં વિપક્ષના મહાગઠબંધનની બેઠક સમાપ્ત થઇ ગઇ છે. હવે વિપક્ષ એકતાની આગામી બેઠક 12 જુલાઇ, 2023ના રોજ શિમલામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ વિપક્ષો ફરી મળશે અને ભાજપનને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવાની રણનીતિ તૈયાર કરશે તેવી શક્યતા છે.