Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રાજ્યોની મુલાકાતે જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે, પહેલા આંધ્રપ્રદેશ અને અન્ય દક્ષિણી રાજ્યોની મુલાકાત લેવામાં આવશે, ત્યારબાદ અન્ય રાજ્યોમાં પહોંચવાની તૈયારીઓ ચાલી રહી છે. આ એક ઔપચારિક પ્રક્રિયા છે જે દર વખતે લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવે છે.
આ વખતની ચૂંટણીની વાત કરીએ તો, એનડીએ અને INDIA ગઠબંધન વચ્ચે મુકાબલો થવાનો છે. એક તરફ ભાજપ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરવા જઈ રહી છે તો, બીજી તરફ INDIA એલાયન્સે આ વખતે જીતની હેટ્રિક રોકવાની તૈયારીમાં લાગી ગયું છે.
આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પાર્ટીએ રામ મંદિરને કેન્દ્રમાં રાખીને પોતાની રણનીતિ તૈયાર કરી છે. આ વખતે ઓબીસી મતોની સાથે લાભાર્થી વોટ બેંકને પણ સાથે લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત મહિલા મતદારોની સંપૂર્ણ નોંધણી પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – ‘VVPATને લઈને કોઈ ઉકેલ નથી મળ્યો …’, જયરામ રમેશે ફરીથી ચૂંટણી પંચને લખ્યો પત્ર, કહ્યું – અમને મળવાનો સમય આપો
બીજી તરફ જો આપણે ઈન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો, સીટ શેરિંગ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચાર બેઠકો થઈ છે, પરંતુ અનેક પક્ષો વચ્ચે ખેંચતાણ છે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર છે, જે આ વખતે સૌથી ઓછી બેઠકો પર ચૂંટણી લડી શકે છે. વાસ્તવમાં દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટી મોટું દિલ બતાવવા તૈયાર નથી, બંગાળમાં મમતાની નારાજગી બધા જાણે છે, યુપીમાં કોંગ્રેસની સ્થિતિ એટલી સારી નથી.