Lok Sabha Election 2024 : આમ આદમી પાર્ટી (આપ)એ બુધવારે 2024ની લોકસભા ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. પાર્ટીના મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ સાત લોકસભા સીટો પર ચૂંટણી લડશે. સાથે તે લોકોને એ બતાવવા માટે એક અભિયાન ચલાવશે કે રાજધાનીમાં પ્રશાસનિક સેવાઓને નિયંત્રિત કરવા માટે કેન્દ્રનો અધ્યાદેશ તેમની વિરુદ્ધમાં હતો.
દિલ્હી અને હરિયાણાના આપ નેતાઓ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંદીપ પાઠકે કહ્યું હતું કે ભાજપ વિરુદ્ધ તમામ વિપક્ષી પાર્ટીઓએ એક થવું જોઇએ. તે કોંગ્રેસના વલણ પર પણ નિર્ભર કરે છે.
કેન્દ્ર સરકારે 19 મે ના રોજ બહાર પાડ્યો હતો અધ્યાદેશ
19 મે ના રોજ કેન્દ્ર સરકારે રાજધાની દિલ્હીમાં અધિકારીઓની બદલી, પોસ્ટિંગ અને વિજિલેન્સ સાથે જોડાયેલા અધિકારોને લઈને એક અધ્યાદેશ જાહેર કર્યો હતો. તેના દ્વારા કેન્દ્ર સરકાર નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરશે. આ ઓથોરિટીમાં દિલ્હીના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને અગ્ર ગૃહ સચિવ હશે. આ અધિકારીઓ ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વિજિલન્સ જેવી બાબતોમાં નિર્ણય લેશે અને એલજીને ભલામણો મોકલશે.
જ્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દે (કેન્દ્રનો વટહુકમ) અનેક બિનભાજપી પાર્ટીઓનું સમર્થન મેળવવામાં સફળ રહી છે. જ્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ અધ્યાદેશ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો નથી.
આ પણ વાંચો – આર્ટિકલ 370, રામ મંદિર અને હવે યૂનિફોર્મ સિવિલ કોડ, પીએમ મોદીએ એમ જ નથી કરી UCC ની વાત, સમજો બીજેપીનો પ્લાન
પાઠકે કહ્યું કે આપ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે પાર્ટીનું અભિયાન લોકોને એ બતાવવા પર કેન્દ્રિત રહેશે કે દિલ્હીમાં વહીવટી સેવાઓના નિયંત્રણ અંગે કેન્દ્રનો કાળો અધ્યાદેશ તેમની વિરુદ્ધ છે.
લોકોને જણાવીશું કે કેન્દ્રનો અધ્યાદેશ જનવિરોધી છે
સંદીપ પાઠકે કહ્યું હતું કે અમે લોકોને કહીશું કે કાળો વટહુકમ કેજરીવાલ વિરોધી નહીં પરંતુ જનવિરોધી છે. ભાજપ વિરોધી પક્ષોને ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે નવ વર્ષમાં મોદી સરકારની એક પણ સિદ્ધિ કોઈ કહી શકશે નહીં. મોદીજીએ સીબીઆઈ-ઈડી જેવી સંસ્થાઓને નષ્ટ કરી દીધી છે. જો ભાજપને હરાવવું હોય તો તમામ વિરોધ પક્ષોએ સાથે આવવું પડશે. કોંગ્રેસે અહંકાર છોડવો પડશે. પાઠકે વધુમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ ખુલ્લા દિલથી સૌને સાથે લઈને ચાલવા તૈયાર હોય તો ગમે તે શક્ય છે પરંતુ જો તે ઘમંડી હશે તો પરિસ્થિતિ મુશ્કેલ બનશે.
કેજરીવાલે 23 જૂને વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લીધો હતો
23 જૂને દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પટનામાં વિપક્ષી નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. જોકે તે પછી તરત જ આપ પાર્ટીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે આ અધ્યાદેશનો જાહેરમાં નિંદા કરવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ સાથે કોઇ પણ ગઠબંધનનો હિસ્સો બનવું ઘણું મુશ્કેલ છે.
વિપક્ષી દળોની બીજી બેઠક શિમલામાં
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કેન્દ્રના અધ્યાદેશનો વિરોધ કરવો કે નહીં. તેના પર નિર્ણય સંસદ સત્ર પહેલા લેવામાં આવશે. પાઠકે કહ્યું કે જુલાઈમાં શિમલામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની આગામી બેઠકમાં ભાગ લેવા અંગે આમ આદમી પાર્ટી નિર્ણય લેશે.