India Allince : ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠક પહેલા જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની જાહેરાતથી વિપક્ષી પાર્ટીઓનું ટેન્શન વધી ગયું છે. બઠિંડામાં એક રેલી દરમિયાન અરવિંદ કેજરીવાલે પંજાબની તમામ 13 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની વાત કરી કરી દીધી છે. તેમણે અપીલ પંજાબના લોકોને કરી હતી, પરંતુ સીધો સંદેશ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને આપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે ફરી એકવાર કોંગ્રેસ અને આપ વચ્ચે વિવાદ વધી શકે છે.
જાણકારી માટે જણાવી દઈએ કે પંજાબમાંથી 13 લોકસભા સીટો આવે છે. આ રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારે બહુમતી સાથે સરકાર બનાવી હતી જ્યારે આ રાજ્યમાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા હતા. હવે આ આધાર પર પાર્ટી તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડવા માંગે છે, જે કોંગ્રેસને મંજૂર નથી. મોટી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધનની આગામી બેઠક 19 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે, તેથી તે પહેલા જ કેજરીવાલે પેચ ફસાવી દીધો છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા 2023માં મોદી સરકારના ત્રણ અસરકારક પગલા, જાણો ભાજપની રણનીતિ
આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબની ધરતી પરથી ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ લોકોએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે 10ની વસ્તુઓ 100માં વેચી દીધી. પરંતુ આજે 10 રૂપિયાની વસ્તુ 8 માં મળે છે. વીજળીનું બિલ શૂન્ય પર આવી ગયું છે. હવે આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ કેજરીવાલે પંજાબમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હોય, આ પહેલા પણ આ પ્રકારના આરોપ લગાવવામાં આવી ચૂક્યા છે.
હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની જાહેરાતથી કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે, દિલ્હીમાં પણ પાર્ટી કોંગ્રેસને વધુ સીટો આપવા તૈયાર નથી. ત્યાં કોંગ્રેસે પણ તમામ સાતેય બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી અને પંજાબ બંનેમાં ચાલી રહેલા વિખવાદથી ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીઓ વધી રહી છે.