Khalistani Terrorist Pannu Threat : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેણે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે લોકોને 19મી નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની ધમકી આપી રહ્યો છે. ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે, જો લોકો 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરશે, તો તેમનો જીવ જોખમમાં આવી જશે.
વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે જ યોજાશે. ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે, અમે શીખ લોકોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવા કહીએ છીએ, કારણ કે આ દિવસે વૈશ્વિક નાકાબંધી હશે. તેમણે કહ્યું કે, જો તમે એર ઈન્ડિયામાં મુસાફરી કરો છો, તો તમારા જીવને જોખમ થઈ શકે છે. ગુરપતવંત સિંહ પન્નુએ એવો પણ દાવો કર્યો હતો કે, દિલ્હીનું ઈન્દિરા ગાંધી એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.
આ પહેલા પણ ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી હતી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટાંકીને તેણે કહ્યું હતું કે, જો ભારત તેનાથી શીખશે નહીં, તો ત્યાં પણ આવી જ પ્રતિક્રિયા થશે. પન્નુએ પોતાની અગાઉની ધમકીમાં કહ્યું હતું કે, પંજાબથી પેલેસ્ટાઈન સુધીના ગેરકાયદે કબજા હેઠળ લોકો આકરી પ્રતિક્રિયા આપશે અને હિંસા થશે.
પન્નુએ પોતાના વીડિયોમાં દાવો કર્યો હતો કે, પંજાબની મુક્તિ નિશ્ચિત છે. તેમણે કહ્યું હતું કે, હવે ભારતે નક્કી કરવાનું છે કે, તેને બુલેટ જોઈએ છે કે બેલેટ.
પન્નુ શીખ ફોર જસ્ટિસ સંસ્થાના વડા છે. આ સંગઠન ભારતમાં પ્રતિબંધિત છે. તેથી જ પન્નુ અમેરિકામાં રહે છે અને તેની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરે છે. ગુરપતવંત સિંહ પન્નુ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને તેની સામે દેશભરમાં 16 કેસ નોંધાયેલા છે. પંજાબમાં પન્નુ વિરુદ્ધ UAPA હેઠળ પણ કેસ નોંધાયેલ છે.
ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967 ના રોજ પંજાબમાં થયો હતો. અત્યારે તે વિદેશમાં છે અને તેના માતા-પિતાનું અવસાન થયું છે. પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે.