Drone attack on Israeli merchant ship in Arabian Sea : વેપારી જહાજો પર સતત થઈ રહેલા હુમલા વચ્ચે ભારતીય નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. હવે અરબી સમુદ્રમાં સુરક્ષા વધારવા માટે ભારતીય નૌસેનાએ નેવલ ટાસ્ક ગ્રુપની રચના કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ જૂથ વેપારી જહાજોની મદદ માટે બનાવવામાં આવ્યું છે અને હવે આ સંગઠન કોસ્ટ ગાર્ડ સાથે પણ કામ કરવા જઈ રહ્યું છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, હાલમાં નેવીએ પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે અરબ સાગરમાં યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કર્યા છે. નૌકાદળના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ ડિસ્ટ્રોયર્સને કોમર્શિયલ જહાજો પર વધતા હુમલાને ધ્યાનમાં રાખીને તૈનાત કરવામાં આવ્યા છે.
ડ્રોન હુમલાથી સરકાર ચિંતિત
જો કે તાજેતરમાં થયેલા ડ્રોન હુમલાથી ભારત સરકાર પણ ચિંતિત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જેણે પણ આ હુમલો કર્યો છે, અમે તેને સમુદ્રના ઊંડાણમાંથી પણ શોધી કાઢીશું અને તેમને તેની સજા મળશે. સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષાની જવાબદારી ભારતની છે.
આ પણ વાંચો – Suez Canal Crisis: સુએઝ કેનાલ કટોકટીથી વૈશ્વિક વેપાર પર ફરી સંકટના વાદળ, ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે?
રાજનાથ સિંહે એ વાત પર પણ ભાર મૂક્યો કે મોદી સરકાર તેના મિત્ર દેશો સાથે કામ કરશે અને એ સુનિશ્ચિત કરશે કે, આ ક્ષેત્રમાં દરિયાઈ વેપાર સંપૂર્ણપણે સુરક્ષિત રહે. હુમલા અંગે વાત કરતા ભારતીય નૌકાદળે એ વાતની પુષ્ટિ કરી હતી કે, એમવી કેમ પ્લુટોને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલો ભારતીય તટથી લગભગ 400 કિલોમીટરના અંતરે થયો હતો. આ હુમલો ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ કર્યો હતો.