Apurva Vishwanath | Senthil Balaji News : તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિએ ગુરૂવારનાં રોજ જેલમાં બંધ મંત્રી વી.સેંથિલ બાલાજીને મંત્રી પરિષદમાંથી બરતરફ કર્યા છે. તમિલનાડુના રાજ ભવને એક નિવેદનમાં કહ્યું હતું કે, મંત્રી વી.સેંથિલ બાલાજી મની લોન્ડરિંગ સહિત અનેક ભ્રષ્ટાચારના કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં રાજ્યપાલે તેમને તાત્કાલિક મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે. ત્યારે રાજ્યપાલ આર.એન.રવિનો આ નિર્ણય રાજ્યપાલની ભૂમિકા પરની બંધારણીય મર્યાદાઓની અવગણના કરે છે, જે રાજભવનને અજ્ઞાત રાજનીતિક ક્ષેત્રમાં ધકેલી દે છે.
બંધારણની કલમ 164 (1) માં એવો ઉલ્લેખ કરાયો છે કે, મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરાશે, જ્યારે મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ દ્વારા મુખ્ય પ્રધાનની સલાહ પર થશે અને તેઓ રાજ્યપાલની મર્જી સુધી પદ પર રહેશે. જો કે, સુપ્રીમ કોર્ટના એક ચૂકાદામાં વ્યાખ્યા કરાય છે કે, રાજ્યપાલની શક્તિ મુખ્યત્વે મંત્રી પરિષદની “સહાય અને સલાહ”માંથી આવે છે.
શમશેર સિંહ વી. પંજાબ મામલે સુપ્રીમ કોર્ટની 1974ની 7 જજોની ખંડપીઠે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, રાજ્યપાલે ઔપચારિક બંધારણીય સત્તાઓનો ઉપયોગ માત્ર મંત્રીઓની સહાયતા અને સલાહ પ્રમાણે જ કરવો જોઇએ. જો કે રાજ્યપાલ અસાધારણ પરિસ્થિતિમાં સત્તાઓનો ઉપયોગ કરી શકે છે. આ અપવાદ એ બહુમત ગુમાવેલી સરકાર સાથે સંબંધ ધરાવે છે. જેમાં કોઇ પક્ષને સરકાર બનાવવાની પ્રસ્તાવનો નિર્ણય અને મંત્રી પરિષદની સહાયતા અને સલાહ અપ્રાપ્ય હોય અથવા અવિશ્વસનીય હોય.
રાજ્યપાલ ત્યાં સુધી જ છે જ્યાં સુધી સત્તા પક્ષ પાસે સદનમાં બહુમત હોય છે. લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની સહમતિ વિના કોઇ મંત્રીને બરતરફ કરવાનો લગભગ આ પ્રથમ કેસ બન્યો છે. આ સાથે તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રીની સલાહ વિના રાજ્યપાલ ન તો કોઇ મંત્રીની નિમણૂક કરી શકે છે ન તો બરતરફ કરી શકે છે.
વર્ષ 2022માં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મુખ્યમંત્રી પિનારાઇને પત્ર લખીને રાજ્યના નાણામંત્રી કેએન બાલગોપાલ વિરૂદ્ધ બંધારણીય રૂપે યોગ્ય પગલા લેવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2023માં મહારાષ્ટ્ર સરકારને રાજકીય સંકટ સંબંધિત કેસમાં આપેલા પોતાના ચૂકાદામાં રાજ્યપાલને રાજકીય પ્રતિદ્રંદ્રિતાને ઉકેલવા માટે પગલા લેવા ચેતવણી આપી હતી.
વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ એવી શક્તિનો પ્રયોગ ના કરી શકે જે બંધારણ કે તેના હેઠળ બનેલા કાયદા દ્વારા પ્રદાન આપવામાં આવી નથી. બંધારણ નિશ્વિત રૂપે રાજ્યાપલ દ્વારા રાજકીય ક્ષેત્રમાં દખલગીરી તેમજ આંતર પક્ષના વિવાદોમાં તેની ભૂમિકાને અધિકાર આપતું નથી. (અનુવાદન માનસી ભુવા)
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.