India resumes visa services in Canada : ભારત 26 ઓક્ટોબરથી કેનેડામાં કેટલીક વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. બુધવારે ઓટાવામાં ભારતીય હાઈ કમિશને કહ્યું હતું કે ચાર કેટેગરી માટે વિઝા સેવાઓ ફરી શરૂ થશે. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરના રોજ આક્ષેપો કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય એજન્ટો અને જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંબંધ છે. ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા. થોડા દિવસો બાદ ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાના કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી અને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા જણાવ્યું હતું.
હાઈ કમિશને જણાવ્યું હતું કે આ નિર્ણય સુરક્ષાની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્યો છે, જેમાં કેનેડાના કેટલાક હાલના ઉપાયોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. હાઇ કમિશને જણાવ્યું હતું કે હાઈ કમિશન અને કોન્સ્યુલેટ દ્વારા કટોકટીની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવાનું ચાલુ રહેશે, જેમ કે હાલમાં કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિના સતત મૂલ્યાંકનના આધારે યોગ્ય નિર્ણયની જાણ કરવામાં આવશે
આ પણ વાંચો – કેનેડાએ પાછા બોલાવ્યા પોતાના 41 ડિપ્લોમેટ્સ, જાણો તેનો ભારત પર શું પડશે પ્રભાવ.
હાઈ કમિશને બુધવારે કહ્યું હતું કે આ પગલું કેનેડામાં શીખ અલગાવવાદી નેતાની હત્યા બાદ ઉભો થયેલા તણાવને ઓછો કરી શકે છે. ભારતે ગયા મહિને કેનેડાના લોકો માટેના નવા વિઝા સ્થગિત કરી દીધા હતા. આ સિવાય કેનેડાએ પણ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.
કેનેડામાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે?
31 ડિસેમ્બર 2022ના ડેટા પ્રમાણે કેનેડામાં લગભગ 320,000 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાંથી 2,09,930 વિદ્યાર્થીઓ કેનેડામાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. 80,270 વિદ્યાર્થીઓ અનુસ્નાતકની પદવી મેળવી રહ્યા છે જ્યારે 28,930 વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને સર્ટિફિકેટ માટે અભ્યાસ કરી રહ્યા છે.
2022માં કેનેડામાં પીઆર, અસ્થાયી વિદેશી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બાબતમાં ભારત ટોચ પર હતું. કેનેડા દ્વારા ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવાનો સિલસિલો 2015થી સતત વધી રહ્યો છે.