India Covid 19 Virus Case Latest Update: ભારતમાં પણ દરરોજ નવા કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જેમાં નવા JN.1 વેરિયન્ટનું સંક્રમણ પણ વધી રહ્યું છે. દેશમાં રવિવાર સુધી કોરોના વાયરસના સબ વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટના કુલ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોવામાં નોંધાયા છે. દેશભરમાં હાલ કોવિડ 19 વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા 4000ને વટાવી ગઇ છે. આ સાથે ગુજરાતમાં પણ ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.
જેએન.1 વેરિયન્ટના ક્યા રાજ્યમા કેટલા કેસ ( Corona New JN.1 variant Case In India)
ભારતમા કોરોના વાયરસના નવા સબ- વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટના રવિવાર સુધી કુલ 63 કેસ નોંધાયા છે, જેમાં વધુ કેસ ગોવામાં નોંધાયા છે. જેએન.1 વેરિયન્ટના ગોવામાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9 કેસ, કર્ણાટકમાં 8 કેસ, કેરળમાં 6 કેસ, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. ગુજરાતમાં જેએન.1 વેરિયન્ટનો અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી.

નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડો. વી.કે. પોલે પાછલા સપ્તાહે જણાવ્યુ હતુ કે, ભારતમાં વૈજ્ઞાનિક સમૂહ કોરોના વાયરસના નવા સબ- વેરિયન્ટની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. રાજ્યોએ કોવિડ 19ના ટેસ્ટિંગ વધારવા અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની આવશ્યકતા છે.
અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ભલે નવા કોરોના કેસની સંખ્યા વધી રહી હોય અને દેશમાં જેએન.1 વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા પરંતુ હાલ ગભરાવાની કોઇ જરૂર નથી. કારણ કે, સંક્રમિત લોકોમાંથી 92 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનથી સાજા થઇ રહ્યા છે, જે દર્શાવે છે કે, જેએન.1 વેરિયન્ટના લક્ષણો હળવા છે.
દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસ 4000ને પાર (Covid 19 Virus Active Case In India)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 628 કેસ નોંધાયા છે. આ સાથે દેશભરમાં કોવિડ-19 સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4054 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા હાલ 5,33,334 છે.

ગુજરાતમાં કુલ 54 કેસ, દેશમાં પાંચમા ક્રમે (CoronaVirus Case In Gujarat)
ગુરજરાતમાં પણ ધીમી ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોવિડ 19 સંક્રમણના નવા 5 કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 54 થઇ ગઇ છે. આમ દેશભરમાં વધુ કોવિડ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમાં ક્રમે છે.
આ પણ વાંચો | ચીનમાં તાવથી લોકો પીડિત , હોસ્પિટલોમાં કતારો, કોરોના નહીં, તો શું કારણ છે?
જો ગુજરાતની વાત કરીયે તો અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણના નવા 5 કેસ નોંધાયા છે, જે ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના દર્દી છે. જેમાંથી બે દર્દી બેંગ્લોરની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 35 થઇ ગઇ છે.