India Alliance Mumbai Meeting : મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક સમાપ્ત થઇ ગઇ છે. આ બેઠકમાં 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણા મુદ્દા પર મંથન કરવામાં આવ્યું અને મીડિયા સામે વાત કરતા મોટા નિવેદનો કર્યા હતા. એક તરફ લાલુ પ્રસાદ યાદવનો ચુટકીલો અંદાજ જોવા મળ્યો તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનના કબજાની વાત કરી હતી. આવો જાણીએ કે કયા નેતાઓએ શું કહ્યું.
-મુંબઈ બેઠકમાં ફરી એક વાર લાલુ પ્રસાદ યાદવ ચર્ચામાં રહ્યા હતા. તેમના તરફથી ખાસ અંદાજમાં મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીના પક્ષમાં બેટિંગ કરી હતી. લાલુ યાદવે કહ્યું કે આ લોકો ઘણું ખોટું બોલ્યા છે. તે બોલતા હતા કે તમારા પૈસા સ્વીસ બેંકમાં છે અને તે પૈસાને પાછા લઇને આવશે. આ પછી તેમણે તે નામ પર બધા ગરીબોના બેંક ખાતા ખોલાવી દીધા. કહેતા હતા કે બધાના એકાઉન્ટમાં 15-15 લાખ રૂપિયા નાખવામાં આવશે. આ કારણે અમે પણ ખાતા ખોલાવી દીધા હતા. અમે તેમની વાતમાં આવી ગયા હતા.
-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ભાર આપીને કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન કોઇ 28 દળોનું નહીં પણ આ તો આખા દેશ સાથે એક અતુટ સંબંધ છે. દેશમાં હાલના સમયે બેરોજગારી ચરમ પર છે, ડિગ્રી લીધા પછી પણ નોકરીઓ મળી રહી નથી. બીજી તરફ આપણે આઝાદ ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર જોઈ રહ્યા છીએ. આ લોકો હાલના સમયે પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા ગઠબંધનને કોઇ રીતે તોડવામાં આવે.
આ પણ વાંચો – INDIA ગઠબંધને બનાવી 13 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી, સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે મોટું એલાન
-બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે સરકાર હાલના સમયે ઇન્ડિયા ગઠબંધનથી ગભરાઇ ગઇ છે. પુરી સંભાવના છે કે તે સમય પહેલા ચૂંટણી કરાવવાનો પ્રયત્ન કરે. તેમના મતે વર્તમાનમાં જે કેન્દ્રમાં બેઠા છે તેમની હાર નિશ્ચિત છે. આ લોકો બસ ઇતિહાસ બદલવા લાગ્યા છે પણ અમે તેવું થવા દઇશું નહીં.
-નીતિશ કુમાર દ્વારા બીજો પર આરોપ લગાવવામાં આવ્યો કે મોદી સરકાર દ્વારા કશું કામ કરવામાં આવ્યું નથી. ફક્ત પ્રચાર ચાલી રહ્યો છે. પ્રેસ પણ તેમના કામોને ફક્ત છાપવાનું કામ કરી રહ્યું છે. કોઇપણ કામ વગર મોદી સરકારની પ્રશંસા કરવામાં આવી રહી છે.
-કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સરકારનો વિચાર એ છે કે ગરીબોના પૈસા લઇને પોતાના કેટલાક ખાસ મિત્રોને આપી દેવામાં આવે. રાહુલે કહ્યું કે ઇન્ડિયા એકજુટ થઇ ગયું છે તેવામાં વિપક્ષને હરાવવું બીજેપી માટે અશક્ય થવા જઇ રહ્યું છે.
-રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં લદ્દાખ પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે તેમણે લદાખ જઇને ત્યાના લોકો સાથે ખુલીને વાત કરી છે. તેમના મતે લદાખની કેટલીક જમીન પર ચીને પોતાનો કબજો કરી લીધો છે.