IMD Monsoon Rainfall Forecast 2023 : હવામાન અપડેટ: ભારતમાં ચોમાસાના વરસાદને લઇ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. ઓગસ્ટ મહિનામાં અત્યંત ઓછો વરસાદ પડવાથી દેશના ઘણા વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની અછત વરતાઇ રહી છે અને કૃષિ પાકો પર પ્રતિકુળ અસરની ચિંતા સતાવી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 31 ઓગસ્ટ, ગુરુવારના રોજ જાહેર કરેલા આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં છેલ્લા વર્ષ 1901 પછી સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવે સપ્ટેમ્બરમાં વરસાદ કેવો પડે છે તેના પર બધો આધાર છે. હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી કરી છે.
ઓગસ્ટ મહિનામાં 122 વર્ષનો સૌથી ઓછો વરસાદ, વરસાદની 36 ટકા ઘટ
વર્ષ 2023માં અલ નીનોની કરાયેલી આગાહીની અસર હવે દેખાઇ રહી છે. ભારતીય હવામાન વિભાગના આંકડા અનુસાર સમગ્ર દેશભમાં ઓગસ્ટ 2023 મહિનામાં 162.7 એમએમ વરસાદ પડ્યો છે, જે 36 ટકા વરસાદની ઘટ દર્શાવે છે તેમજ વર્ષ 1901 પછી સૌથી ઓછો વરસાદ છે. ઓગસ્ટ મહિનામાં સરેરાશ 254.8 એમએમ વરસાદ પડે છે.છેલ્લે વર્ષ 2005માં ઓગસ્ટ મહિનામાં 191.2 એમએમ વરસાદ નોંધાયો હતો.

વર્ષ 1901 પછી સૌથી ગરમ મહિનો રહ્યો ઓગસ્ટ 2023
ચોમાસાની સિઝનમાં ઓછા વરસાદનો સીધો અર્થ સરેરાશ કરતા વધારે તાપમાન અને ગરમી થાય છે. ઓછો વરસાદ પડવાથી ઓગસ્ટ મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 32.09 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે, જે 1901 પછી સૌથી વધુ ગરમ મહિનો રહ્યો છે, અને સરેરાશ સામાન્ય 31.09 ડિગ્રી સેલ્સિયસ કરતાં એક ડિગ્રી વધારે હતું. ઑગસ્ટમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે, તે પણ વર્ષ 1901 પછી આ મહિનાનું બીજું સૌથી ઊંચું તાપમાન હતું
સપ્ટેમ્બર વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગની આગાહી
ઓગસ્ટમાં વરસાદની ભારે અછત બાદ હવે બધો જ આધાર સપ્ટેમ્બર પર છે. આઇએમડીએ સપ્ટેમ્બર મહિનાની ચોમાસાની આગાહીમાં જણાવ્યુ છે કે, “નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આગામી 5 દિવસ દરમિયાન અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.

ઉત્તર ભારતના રાજ્યો – દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે 3 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમાના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.
હવામાન વિભાગે ભારતના વિવિધ ભાગોમાં 3 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 સપ્ટેમ્બરની આસપાસ મધ્ય ભારતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ અઠવાડિયે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, કેરળ, માહે, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સપ્તાહના અંતે ચોમાસુ ફરી સક્રિય થવાની અપક્ષા
બીજી તરફ ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ચોમાસું ફરી સક્રિય થવાની ધારણા છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, IMDના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે,ઓગસ્ટ 2023 દેશમાં વર્ષ 1901 પછીનો સૌથી શુષ્ક મહિનો રહ્યો છે. જો કે, ચાલુ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું ફરી વળવાની ધારણા છે, જે દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં વરસાદ લાવશે.
સપ્ટેમ્બરમાં તાપમાન સરેરાશ કરતા ઉંચુ રહેશે
તેમણે ઉમેર્યુ કે, દક્ષિણ કિનારાના કેટલાક વિસ્તારો અને પશ્ચિમ-મધ્ય ભારતના વિસ્તારો સિવાય ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા મહત્તમ તાપમાનની સંભાવના છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દૂરના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો | હિમાચલ વરસાદી આફત : કુલ્લુમાં અનેક ઈમારતો ધરાશાયી, તાબાહીનો VIDEO વાયરલ
વિવિધ રાજ્યોમાં સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી
- ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ અઠવાડિયે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. તેવી જ રીતે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી પાંચ દિવસમાં આવા પ્રકારનું હવામાન અનુભવાય તેવી શક્યતા છે.
- પશ્ચિમ બંગાળના કેટલા વિસ્તારોમાં 3 સપ્ટેમ્બરના રોજ આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા રાખવામાં આવી શકે છે, જ્યારે ઓડિશામાં 2-4 સપ્ટેમ્બરના રોજ વરસાસ પડે તેવી સંભાવના છે.
- આ ઉપરાંત મધ્ય ભારતમાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
- ખાસ કરીને છત્તીસગઢમાં 2-3 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.
- દેશના દક્ષિણ વિસ્તારમાં તામિલનાડુ, પોંડુચેરી અને કરાઈકલમાં 2 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.
- તેમજ સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અમુક દરિયા કિનારાના અલગ- અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.