Liz Mathew : કેન્દ્રની ભાજપ સરકાર ઘરેલુ સ્તર પર ધ્રુવીકરણની રાજનીતિના આરોપો સામે ઝઝૂમી રહી છે. વિપક્ષના તમામ રાજકીય પક્ષો ભાજપ પર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવે છે, પરંતુ પીએમ મોદી આ તમામ માર્ગોથી અલગ થઇને ઇસ્લામિક વિશ્વ (મુસ્લિમ દેશો)ને પોતાની તરફેણમાં જોવાનો પ્રયાસ કરે છે. છેવટે તેમના પ્રયત્નો મહદ્ અંશે સફળ રહ્યા છે.
તાજેતરમાં આરબ વિશ્વ સાથેની પોતાની નિકટતા દર્શાવવા માટે પીએમ મોદીની ઉત્સુકતા હાલમાં ત્યારે સ્પષ્ટ થઈ હતી જ્યારે તેમણે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની યજમાની કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પહોંચતા જ યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત તો કર્યું જ હતું, સાથે સાથે 9 જાન્યુઆરીએ અમદાવાદમાં તેમની સાથે રોડ શો પણ યોજ્યો હતો. યુએઈના રાષ્ટ્રપતિ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
હવે આગામી લોકસભા ચૂંટણી પહેલા જ પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે યુએઈની યાત્રા પર જઈ રહ્યા છે.
એક દિવસ પહેલા પીએમ મોદી અબુધાબીના શેખ જાયદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. જેમાં લગભગ 50,000 લોકો હાજર રહેવાની સંભાવના છે. ‘હેલો મોદી’ નામથી ઓળખાતી આ ઇવેન્ટને વિદેશમાં ભારતીય વડાપ્રધાન માટે સૌથી મોટા સામુદાયિક સ્વાગત તરીકે ગણવામાં આવે છે. એક અંદાજ મુજબ 3.5 મિલિયનની સૌથી મોટી ભારતીય વિદેશી વસ્તી યુએઈમાં રહે છે.
34 વર્ષ બાદ મોદીના રૂપમાં દેશના કોઇ પીએમ અરબ ગયા
વર્ષ 2015માં પોતાના પ્રથમ કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યાના એક વર્ષ બાદ મોદી 34 વર્ષ બાદ યુએઈની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. આગામી મુલાકાત મુખ્ય ગલ્ફ દેશની તેમની સાતમી મુલાકાત હશે.
વડાપ્રધાન તરીકેના બે કાર્યકાળ દરમિયાન મોદી અત્યાર સુધીમાં બે વખત સાઉદી અરેબિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે 2019માં બહેરીન, 2018માં ઓમાન, જોર્ડન અને પેલેસ્ટાઇન અને 2016માં કતારની મુલાકાત લીધી હતી. મોદીએ 2015માં યુએઈમાં શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદ અને 2018માં ઓમાનમાં સુલતાન કબૂસ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમને સર્વોચ્ચ પુરસ્કાર પણ મળ્યો હતો. જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનના નાગરિક પુરસ્કારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ટાટા અને એરબસ મળીને ભારતમાં હેલિકોપ્ટર બનાવશે, ફ્રાન્સ સાથે મોટી ડીલ
આ સાથે જ ભાજપના નેતાઓનું કહેવું છે કે મોટા ઈસ્લામિક જગત સુધી પહોંચીને પીએમ મોદીએ વિપક્ષના તમામ આરોપોને નિષ્ક્રિય કરી દીધા છે. જેમાં પીએમ ખાસ રુપે કહેવામાં આવે છે કે પીએમ મોદીના કાર્યકાળમાં દેશમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે.
નૂપુર શર્મા અને નવીન જિંદાલને ભાજપે કર્યા હતા સસ્પેન્ડ
એક ઘટના જૂન 2022માં બની હતી. જ્યારે ભાજપે તેના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હીના પ્રવક્તા નવીનકુમાર જિંદાલને પયગંબર વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. ગલ્ફ દેશોએ ભારતીય રાજદૂતોને તેમના દેશમાં પોતાનો વિરોધ નોંધાવવા બોલાવ્યા બાદ ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાડીના દેશો સાથે ભારતના મજબૂત સંબંધો છે, જે ભારતીય ડાયસ્પોરા ઉપરાંત તેલ, ગેસ અને વેપાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના નિર્દેશ બાદ ભાજપે પોતાના પ્રવક્તાઓ પર ત્વરિત કાર્યવાહી કરી છે. જેણે અરબ દેશોના મુસ્લિમ નેતાઓને સકારાત્મક સંદેશ આપ્યો હતો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે યહૂદી રાજ્ય ઇઝરાયેલ ઉપરાંત અખાતી ક્ષેત્રના દસ અન્ય દેશો સાઉદી અરેબિયા, કતાર, ઇરાન, ઇરાક, બહેરીન, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, જોર્ડન અને યમન. તેઓ સાથે મળીને વિશ્વની મુસ્લિમ વસ્તીનો પાંચમો ભાગ ધરાવે છે અને ઇસ્લામિક વિશ્વમાં સૌથી મજબૂત અવાજોમાંથી એક છે.
વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ મોદીએ આ દેશો સાથે ભારતના સંબંધો અને સંબંધોનું સ્તર વધારવામાં વ્યક્તિગત રસ લીધો છે. વિદેશ નીતિના ઘણા નિષ્ણાતો મોદીએ જે ઊર્જા અને પ્રતિબદ્ધતા રોકાણ કર્યું છે તેના સંબંધોમાં નવા ઉત્સાહને આભારી છે.
ભાજપના વિદેશ બાબતોના વિભાગના પ્રભારી વિજય ચૌથવાલેએ જણાવ્યું હતું કે આ પ્રદેશોના શાસકો અને પીએમ મોદી વચ્ચે વ્યક્તિગત સંબંધએ આ દેશો સાથે મજબૂત સંબંધો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે, મોટો ભારતીય સમુદાય આ ભાગીદારીની વધુ એક કરોડરજ્જુ છે. ખાસ કરીને યુએઈના કિસ્સામાં વધેલો વેપાર, આઈઆઈટી-દિલ્હી કેમ્પસ અને હવે અબુધાબીમાં હિન્દુ મંદિર ખોલવાથી બંને દેશો વચ્ચે વિશ્વાસ વધ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ એમ પણ ધ્યાન દોરે છે કે આરબ જગત સાથે ભારતના મજબૂત સંબંધો બિનસાંપ્રદાયિક લોબી દ્વારા સ્થાનિક સ્તરે કરવામાં આવેલી ટીકાના પ્રતિકાર તરીકે કામ કરે છે.
ભારત કેનેડા સામે આકરા પગલાં લીધા પરંતુ કતર પર કાનૂની સલાહ લીધી
કેનેડાની ધરતી પર શીખ અલગાવવાદીની હત્યાના મુદ્દે ભારત-કેનેડિયન વિવાદ માટે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ભાજપના નેતાઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. પરંતુ કતરે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જેના પર ભાજપે કોઈ ટિપ્પણી કરી નથી. ભાજપે માત્ર એટલું જ કહ્યું હતું કે ભારત તેમના માટે કાનૂની લડત લડશે. ડિસેમ્બરમાં કતરની એક અદાલતે તેમની મૃત્યુદંડની સજાને કેદમાં ફેરવી નાખી હતી.
આ અંગે જ્યારે ભાજપના એક નેતાનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કેસ સાવ અલગ છે પરંતુ તેને (કતર કેસ)લઈને લોકોમાં કોઈ કડવાહટ આવી નથી. રાજકીય સ્તરે પણ આ બાબતને કાળજીપૂર્વક સંભાળવામાં આવી હતી.