Haji Malang Dargah : મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સદીઓ જૂની હાજી મલંગ દરગાહને મુક્ત કરાવશે. દક્ષિણપંથી જૂથો દાવો કરે છે કે આ દરગાહ વાસ્તવમાં એક મંદિર છે. જે માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે, જે દરિયાની સપાટીથી 3000 ફૂટની ઉંચાઈ પર છે. આ દરગાહ યમનના 12મી સદીના સૂફી સંત હાજી અબ્દુલ-ઉલ-રહેમાનનું છે. નજીકમાં રહેતા લોકો આ દરગાહને હાજી મલંગ બાબાના નામથી ઓળખે છે. અમારા સહયોગી ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 20 ફેબ્રુઆરીએ હાજી મલંગની જન્મજયંતિ છે. જેના માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અહીં કેવી રીતે પહોંચવું?
આ દરગાહ કલ્યાણમાં આવેલી છે. સૂફી સંતના અંતિમ વિશ્રામ સ્થાને પહોંચવા માટે લગભગ બે કલાક ચઢવું પડે છે. દરગાહને મંદિર હોવાના દાવા પર દરગાહના ટ્રસ્ટીએ કહ્યું કે જે કોઈ દાવો કરે છે કે હાજી મલંગ દરગાહ મંદિર છે તે રાજકીય ફાયદા માટે આવું કરી રહ્યા છે. કેતકરનો પરિવાર છેલ્લી 14 પેઢીઓથી આ દરગાહની દેખભાળ કરી રહ્યો છે. 1980માં શિવસેનાના નેતા આનંદ દિઘેએ આ દરગાહને નાથ સંપ્રદાયનું એક પ્રાચીન હિન્દુ મંદિર ગણાવ્યું હતું. જોકે1990ના દાયકામાં જ્યારે શિવસેના સત્તામાં આવી ત્યારે આ મુદ્દો સાઇડ પર મુકી દીધો હતો. શિંદેએ હવે આ મુદ્દો ફરીથી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
અહેવાલો અનુસાર 1954માં હાજી મલંગના સંચાલન પર અભિજિત કેતકર પરિવારના નિયંત્રણ સાથે સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે દરગાહ એક સંયુક્ત માળખું છે, જે હિન્દુ અથવા મુસ્લિમ કાયદા દ્વારા સંચાલિત થઈ શકે નહીં. તે ફક્ત તેમના પોતાના વિશેષ રિવાજો દ્વારા સંચાલિત થઈ શકે છે. કેતકરે વધુમાં કહ્યું કે નેતાઓ હવે માત્ર પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે મુદ્દાઓ બનાવી રહ્યા છે.” અભિજિત કેતકરે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે હજારો ભક્તો તેમની ‘મન્નત’ પૂરી કરવા અહીં આવે છે.
1980ના દાયકાના મધ્યમાં મંદિર પર કોમી ઝઘડાની પ્રથમ નિશાની જોવા મળી હતી જ્યારે શિવસેનાના નેતા આનંદ દીઘેએ એવો દાવો કરીને આંદોલન શરૂ કર્યું હતું કે મંદિર હિન્દુઓનું છે કારણ કે તે 700 વર્ષ જૂના મચ્છીન્દ્રનાથ મંદિરનું સ્થળ હતું. 1996માં તેમણે 20,000 શિવસૈનિકોને પ્રાર્થના કરવા માટે મંદિર તરફ દોરી જવાનો આગ્રહ કર્યો.
આ પણ વાંચો – આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીના બહેન વાય એસ શર્મિલા કોંગ્રેસમાં સામેલ, જાણો કેમ પકડ્યો ભાઇથી અલગ રસ્તો
તે વર્ષે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે તત્કાલિન મુખ્યમંત્રી મનોહર જોશીએ પણ પ્રાર્થનામાં હાજરી આપી હતી. ત્યારથી સેના તેમજ જમણેરી જૂથો આ રચનાને શ્રી મલંગ ગઢ તરીકે ઓળખે છે.
ધ ગેઝેટિયર્સ ઓફ બોમ્બે પ્રેસિડેન્સીમાં પણ ઉલ્લેખ
દરગાહ વિશે ઘણા ઐતિહાસિક લેખો છે. 1882માં પ્રકાશિત બોમ્બે પ્રેસિડન્સીના ગેઝેટિયર્સમાં પણ આ દરગાહ વિશે લખવામાં આવ્યું છે. આ પવિત્ર સ્થળનો ઉલ્લેખ કરતાં એવું કહેવાય છે કે આ સ્થળ એક આરબ ધર્મપ્રચારક હાજી અબ્દુલ-ઉલ-રહેમાનના માનમાં બનાવવામાં આવ્યું હતું, જે હાજી મલંગ તરીકે પ્રખ્યાત હતા. સ્થાનિક નલ રાજાના શાસનકાળ દરમિયાન, સૂફી સંત ઘણા અનુયાયીઓ સાથે યમનથી આવ્યા હોવાનું કહેવાય છે અને પહાડીના નીચલા પઠાર પર સ્થાયી થયા હતા.
આ દરગાહ વિશે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. દાવો છે કે નલ રાજાએ તેમની પુત્રીના લગ્ન સૂફી સંત સાથે કર્યા હતા. હાજી મલંગ અને મા ફાતિમા બંનેની કબરો દરગાહની અંદર આવેલી છે. બોમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટિયર્સમાં કહેવાયું છે કે સંરચના અને કબરો 12મી સદીથી અસ્તિત્વમાં છે અને તેને પવિત્ર માનવામાં આવે છે. ગેઝેટમાં કહેવામાં આવ્યું છે કે 18મી સદીમાં કલ્યાણના એક બ્રાહ્મણ કાશીનાથ પંત ખેતકરના નેતૃત્વમાં તત્કાલીન મરાઠા સંઘે દરગાહમાં પ્રસાદ મોકલ્યો હતો કારણ કે એવું માનવામાં આવતું હતું કે સંતની શક્તિને કારણે અંગ્રેજોએ તે જગ્યા છોડી દીધી હતી. .
18મી સદીમાં પણ વિવાદ થયો હતો
18મી સદીમાં પહેલીવાર દરગાહને લઈને વિવાદ થયો હતો. કેટલાક સ્થાનિક મુસ્લિમોએ મંદિરના વંશપરંપરાગત સંરક્ષકોએ બ્રાહ્મણ દ્વારા તેની દેખરેખ રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સંઘર્ષ એટલા માટે ન હતો કારણ કે તે મંદિર કે દરગાહ હતી પરંતુ તેની જાળવણી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહી હતી. ટ્રસ્ટમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો હોવાનું બહાર આવ્યું હતું જેઓ એકસાથે તેની સંભાળ રાખતા હતા.
ટ્રસ્ટી ચંદ્રહાસ કેતકરે જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ બોર્ડમાં પારસી, મુસ્લિમ અને હિંદુ સમુદાયના સભ્યો તેમજ નજીકના વિસ્તારોના ખેડૂતોનો સમાવેશ થાય છે. જોકે અમે 2008 થી ટ્રસ્ટમાં કોઈ નવી નિમણૂક કરી નથી. હાલમાં ટ્રસ્ટમાં ત્રણ સભ્યો છે કારણ કે બાકીના કાં તો નિવૃત્ત અથવા મૃત્યુ પામ્યા છે. હાલમાં દરગાહની દેખરેખ એક બ્રાહ્મણ પરિવાર કરે છે. અહીં બંને ધર્મના લોકો આવે છે. તેની સંરચના દરગાહ જેવી છે. જોકે પૂર્ણિમાના દિવસે હિન્દુ લોકો પણ અહીં આવીને આરતી કરે છે.
સંયોગથી શિંદે ફેબ્રુઆરી 2023માં દરગાહની મુલાકાતે ગયા હતા. તેમણે દરગાહની અંદર આરતી કરી હતી અને કેસરી ચાદર ચઢાવી હતી. હવે આ દરગાહને લઈને વિવાદ વધી રહ્યો છે. જો કે આ દરગાહની આસપાસ રહેતા લોકોને તેનાથી બહુ ફરક પડતો નથી.
પ્રભાત સુગવેકરનો પરિવાર સદીઓથી આ દરગાહ પાસે એક નાની ટેકરી પર ચા વેચે છે. તેમનું કહેવું છે કે મોટાભાગના મુસ્લિમ શ્રદ્ધાળુઓ દરગાહને હાજી મલંગ બાબાના નામથી જાણે છે. આનંદ દીઘે અહીં આવ્યા ત્યારથી તે શ્રી મલંગ ગઢ તરીકે ઓળખાય છે. મારા માટે બાબા અને શ્રી મલંગ બંને એક જ ભગવાન છે. તેમના કારણે જ મારું ઘર ચાલે છે. મંદિર હોય કે દરગાહ, મને બહુ ફરક નથી પડતો. હવે જોવાનું એ રહે છે કે આ દરગાહને લઈને વિવાદ ક્યાં સુધી જાય છે.