Goldy Brar : ભારત સરકારે ગોલ્ડી બરારને આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે આ નિર્ણય UAPA હેઠળ લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બરાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા છે. તે ભારતમાં ઘણા મોટા ગુનાઓમાં સંડોવાયેલો છે.
ગોલ્ડી બરાર હાલમાં કેનેડામાં છે અને ત્યાંથી જ પોતાની ક્રાઇમની દુનિયા ચલાવી રહ્યો છે. ગોલ્ડી બરારને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઇન્ડ પણ બતાવવામાં આવી રહ્યો છે. પંજાબી સિંગર મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બરારે આ હત્યાની જવાબદારી લીધી હતી.
કોણ છે ગોલ્ડી બરાર?
ગોલ્ડી બરાર પંજાબના હાલના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સમાંથી એક છે અને હાલ કેનેડામાં રહે છે. માનવામાં આવે છે કે તે કોલેજ ડ્રોપઆઉટ સ્ટુડન્ટ છે અને અભ્યાસ છોડી દીધા બાદથી તે ગુનાની દુનિયામાં સક્રિય છે. વર્ષ 2019માં ગોલ્ડી બરાર સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા કેનેડા ગયા હતા. તે ભારતના અનેક નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવા અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવાને પોસ્ટ કરવા માટે પણ જાણીતો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવો પણ દાવો કરવામાં આવે છે કે ગોલ્ડી બરારના પિતરાઇ ભાઇ ગુરલાલ બરારની જુલાઈ 2021માં ચંદીગઢના ઔદ્યોગિક વિસ્તારમાં ડિસ્કોની બહાર હત્યા કરવામાં આવી હતી. ગુરલાલ બિશ્નોઈ અને ગોલ્ડીનો નજીકનો સહયોગી હતો. આ મોતનો બદલો લેવા માટે ગોલ્ડી બરારે ફરીદકોટમાં યુથ કોંગ્રેસના નેતા ગુરલાલ પહેલવાનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
ગોલ્ડી બરારે કેનેડામાં ખંડણી શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેણે પૈસાની લાલચમાં કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ પણ શરૂ કરી દીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેની સામે હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના 50થી વધુ કેસ અનેક જિલ્લામાં નોંધાયેલા છે.
મૂળ પંજાબના ફરીદકોટ જિલ્લાના રહેવાસી ગોલ્ડી બરારનો જન્મ 1994માં થયો હતો. ગોલ્ડી બરારના પિતા પોલીસ કર્મી હતા, ગોલ્ડીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક માનવામાં આવે છે. 2012માં જ્યારે ગોલ્ડી બરાર 18 વર્ષનો હતો ત્યારે તેની સામે કલમ 336 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ગોલ્ડી બરાર યુથ કોંગ્રેસના નેતા ગુરલાલ પહેલવાનની હત્યાનો પણ આરોપી છે. ફરીદપુર કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ કાઢ્યું હતું.