Kupwara Five Terrorist Kill : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓની ઘૂસણખોરી કરવાનું ષડયંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા આતંકીઓમાંથી ત્રણ લશ્કરના છે અને બેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મોટી વાત એ છે કે સેનાએ થોડા જ દિવસોમાં બીજી વખત ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે.
આ પહેલા 22 ઓક્ટોબરે આતંકીઓએ ઘાટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારબાદ અથડામણમાં સેના દ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ વખતે જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ માછિલ સેક્ટર, જે ભારતીય સરહદ છે ત્યા ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ સુરક્ષા દળોને ઇનપુટ મળી ચૂક્યા હતા. આવી સ્થિતિમાં આતંકીઓને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા.
પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના પગલે દળોની સંયુક્ત ટીમે કુપવાડાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ સંયુક્ત ટીમે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના એક જૂથને અટકાવ્યું હતું અને તેમને પડકાર્યા હતા. જેથી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, આ પછી સેનાએ વળતો પ્રહાર કર્યો હતો.
અહીં એ સમજવું જરૂરી છે કે શિયાળામાં ઘૂસણખોરી વધી જાય છે કારણ કે વિઝિબિલીટી ઘટી જાય છે. આવી સ્થિતિમાં સરહદને સરળતાથી પાર કરી શકાય છે. પરંતુ સેના પણ સતર્ક હોવાથી ચાંપતી નજર રાખવામાં આવે છે અને સમયાંતરે ઈનપુટ્સ મળતા રહે છે.
આ પણ વાંચો – સરહદ, સુરક્ષા અને રશિયા-યુક્રેનનો ઉલ્લેખ કરી ભારતના આર્મી ચીફે આ 7 મહત્ત્વના મુદ્દાઓ પર અભિપ્રાય વ્યક્ત કર્યો
આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેશનલ બોર્ડર (આઈબી) પાસે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે બીએસએફના બે જવાન ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ અનુસાર ભારતીય સુરક્ષા દળના જવાનો આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક ઇલેક્ટ્રિક થાંભલા પર લાઇટો લગાવી રહ્યા હતા. સાથે જ પાકિસ્તાની રેન્જર્સે કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં બે સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા.
કાશ્મીર ખીણમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઘૂસણખોરીના પ્રયાસોની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે શિયાળો શરૂ થાય તે પહેલાં આતંકવાદીઓ ખીણમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે.