Farooq Abdullah : નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણામાં સામેલ ન થવા બદલ ભારત સરકારની ટીકા કરી છે. ફારુક અબ્દુલ્લાએ ચેતવણી આપી છે કે જો વાતચીત દ્વારા ઉકેલ ન આવે તો ભારતની પણ ગાઝા જેવી સ્થિતિ થઈ શકે છે. પત્રકારો સાથે વાત કરતા ફારુક અબ્દુલ્લાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ પાડોશી નહીં. તેમણે એ વાત પર ભાર આપ્યો કે જો મૈત્રીપૂર્ણ સંબંધો જળવાઈ રહે તો ભારત અને પાકિસ્તાન બંનેને ફાયદો થશે.
પીએમ મોદીનો ઉલ્લેખ કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે પીએમ મોદીએ પણ કહ્યું છે કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને મામલાઓને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. અબ્દુલ્લાએ કહ્યું કે પરંતુ અહીં વાતચીત છે? નવાઝ શરીફ (પાકિસ્તાનના) વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ પણ શું કારણ છે કે આપણે વાત કરવા તૈયાર નથી છે? જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ તો અમારા પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ હાલ થશે. જેના પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.
રાજૌરીમાં થયેલા હુમલા પછી આવી ટિપ્પણી
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના બે વાહનો પર થયેલા આતંકવાદી હુમલામાં ચાર સૈનિકો શહીદ પછી લોકસભા સાંસદ ફારૂક અબ્દુલ્લાની તાજેતરની ટિપ્પણીઓ આવી છે.
આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેને PM ચહેરો બનાવવા પર ઇન્ડિયા ગઠબંધનમાં ઘર્ષણ, નીતિશ બાદ હવે શરદ પવાર પણ નારાજ
આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે કહ્યું હતું કે ઇસ્લામાબાદ ભારત સાથે શાંતિથી રહેવા માંગે છે અને કાશ્મીર મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંભીર અને પ્રામાણિક ચર્ચા કરવાની ઓફર કરી છે. જોકે ભારતનું કહેવું છે કે જ્યાં સુધી સીમાપાર આતંકવાદની નીતિને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાડોશી દેશ સાથે સામાન્ય સંબંધો રાખવા શક્ય નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે અમે આતંકવાદને સામાન્ય બનાવવાની મંજૂરી આપી શકીએ નહીં, અમે પાકિસ્તાન સાથે આવી ચર્ચા ઈચ્છતા નથી.