Ajit Pawar : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળના જૂથને ચૂંટણી પંચે અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગણાવી છે. ચૂંટણી પંચે બુધવારે શરદ પવાર જૂથને મહારાષ્ટ્રમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે નવું નામ લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ લડાઇ લાંબા સમયથી ચૂંટણી પંચ પાસે ચાલી રહી હતી.
ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે પંચે શરદ પવારને નવા પક્ષની રચના માટે ત્રણ નામ આપવા જણાવ્યું છે. આ નામો બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં આપવાના રહેશે.
અજીત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો
6 મહિનાથી વધુ સમય સુધી ચાલેલી 10થી વધુ સુનાવણી બાદ ચૂંટણી પંચે એનસીપીમાં વિવાદનો ઉકેલ લાવી અજીત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. . ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શરદ પવાર જૂથ સમયસર બહુમતી સાબિત કરી શક્યું ન હતું, જેના કારણે તેમના પક્ષમાં આ નિર્ણય આવ્યો નથી.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : PDA પર આટલું ફોક્સ કેમ કરી રહ્યા છે અખિલેશ યાદવ? સમજો શું છે સપાનું ગણિત
અજિત પવાર ગયા વર્ષે જુલાઈમાં શરદ પવારથી અલગ થયા હતા
કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ)ને ફટકો પહોંચાડતા અજિત પવાર ગયા વર્ષે જુલાઈમાં અલગ થઇ ગયા હતા. અજિત પવારે બળવો કરીને એનસીપીના બે ભાગ પાડી દીધા હતા. તેમણે મહારાષ્ટ્રની શિંદે સરકારને ટેકો આપ્યો હતો. અજીતની સાથે સાથે અનેક ધારાસભ્યો પણ સરકારમાં જોડાયા હતા. તેમણે પાંચમી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
અજિતે પાર્ટી પર પોતાનો દાવો કર્યો હતો અને તેમના જૂથને અસલી એનસીપી ગણાવ્યું હતું. આ પછી સ્પીકરે અજીત જૂથને પણ અસલી એનસીપી ગણાવ્યું હતું. આ નિર્ણયને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સાથે જ ચૂંટણી પંચે પણ શરદ પવારને મોટો ઝટકો આપતા અજીત જૂથને અસલી એનસીપી ગણાવી છે.
ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદ અજિત પવારે પોતાના કાકા શરદ પવારને પાર્ટી અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા અને ચૂંટણી પંચને પત્ર લખીને પોતાના જૂથને અસલી એનસીપી તરીકે માન્યતા આપવાની માંગ કરી હતી.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													