(અંકિત રાજ) Delhi Rred fort history and Yamuna river : જે દરવાજેથી શાહજહાં પહેલીવાર દિલ્હીના લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા, તાજેતરમાં દિલ્હીવાસીઓએ લાલ કિલ્લાને અડીને યમુના નદી વહેતી જોઈ છે. ગુરુવારે રિંગરોડનો કેટલાક વિસ્તાર પાણીમાં ડૂબી ગયો અને નદી 17મી સદીમાં શાહજહાં દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાના કિનારેથી પસાર થતી જોવા મળી હતી. આ દ્રશ્ય મને પુસ્તકોમાં વાંચેલા મુઘલ કાળની યાદ અપાવે છે.
લાલ કિલ્લો અને યમુના નદી
મુઘલ શાસક શાહજહાંએ પોતાના સામ્રાજ્યની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા એટલે કે કિલા-એ-મુબારકનું નિર્માણ શરૂ થયું, જે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યું. વર્ષ 1648માં પહેલીવાર શાહજહાં યમુના કિનારે બનેલા આ કિલ્લામાં હોડીમાં બેસીને આ જ રસ્તાથી કિલ્લામાં પ્રવેશ્યા હતા, જે રિંગ રોડ પર તાજેતરમાં યમુના નદી વહેતી જોવા મળી રહી છે.
લાલ કિલ્લામાં ‘યમુના દ્વાર’
લાલ કિલ્લામાં ‘યમુના દ્વાર’ નામનો દરવાજો પણ છે. આ દરવાજેથી જ શાહજહાં પહેલીવાર લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા. યમુના દ્વારને ‘ખિજરી દરવાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાલ કિલ્લાનો લાહોરી દરવાજો અને દિલ્હીનો દરવાજો ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ખિજરી દરવાજા વિશે ભાગ્યે જ વાત કરવામાં આવે છે.
ખિજરી દરવાજાનો ઇતિહાસ અને સિંધી સમાજ
ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ અને સ્વતંત્ર સંશોધક અશ્વિન ગર્ગે તેમના રિસર્ચ પેપર “Watergate of Delhi’s Red Fort: One Truth and Many Tales” માં લખ્યું છે કે “ખિજરી દરવાજાનું નામ ખ્વાજા ખિઝરના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેમને પાણીના સંત કહેવામાં આવતા હતા. કેટલાક લેખકોએ આ ખિજરી દરવાજાનો ઉલ્લેખ જલ દ્વાર તરીકે પણ કર્યો છે. આગ્રાના કિલ્લા અને પાકિસ્તાનના લાહોરના કિલ્લા જેવા અન્ય કિલ્લાઓમાં પણ ખિજરી દરવાજો અથવા જળ દ્વાર છે.
ખિજરી દ્વાર, ખ્વાજા ખિજ્ર અને ઝુલેલાલ વચ્ચે સંબંધ
ખ્વાજા ખિજ્રને પાકિસ્તાનમાં ઝુલેલાલના નામે ઓળખવામાં આવે છે. સિંધ પ્રાંતમાં ખિજ્રને હિંદુ અને મુસ્લિમ બંને સમાન રીતે સમ્માન આપે છે. હિંદુ તેમને ભગવાન અને મુસ્લિમ જીવિત પીર માને છે. ખ્વાજા ખિજ્રને નદી કે પાણીના દેવતા માનવામાં આવે છે. ઝુલેલાલ એ કોઇ સામાન્ય હિન્દુ/સિંધી/સુફી કે મુસ્લિમ સંત જેવા ન હતા. ઝુલેલાલ કે દરિયાલાલને અલગ-અલગ સંપ્રદાયોમાં ઘણા સ્વરૂપોમાં પૂજવામાં આવે છે.
અલબત્ત, સમગ્ર સિંધ અને વૈશ્વિક સિંધી સમાજમાં ઝુલેલાલની ઘણી કહાણીઓ પ્રસિદ્ધ છે. ઝુલેલાલ, શેહવાનના લાલ શાહબાઝ કલંદર, ઉદેરોલાલના શેખ તાહિર અને ખ્વાજા ખિઝર વચ્ચે એક જટિલ જોડાણ છે, જેમની જુદા જુદા સમૂહો દ્વારા અલગ-અલગ સમયે પૂજા કરવામાં આવે છે. આ દેવો અને ઋષિઓને જોડતી એકમાત્ર કડી સિંધુ નદી છે. ઝુલેલેલાલ એ દરિયાપંથી અથવા દરિયાહી સંપ્રદાયનો એક ભાગ છે જે સિંધુ (નદી)ની પૂજા કરે છે.
લાલ કિલ્લાનો યમુના દ્વાર મુઘલ બાદશાહના પ્રવેશ અને પલાયનનો સાક્ષી
લાલ કિલ્લા (દિલ્હી)નો ખિજરી દરવાજો એક ખાસ દરવાજો હતો જે ફક્ત મુઘલ શાહી પરિવારના સભ્યો માટે જ ખુલ્લો હતો. ઈતિહાસકારો માને છે કે છેલ્લા મુઘલ શાસક બહાદુર ઝફર દ્વિતીય છેલ્લી વખત ખિઝરી દરવાજાથી ભાગી ગયા હતા. આ 1857ની ક્રાંતિ પછીની વાત છે. ત્યારે બહાદુર ઝફર બીજાએ હુમાયુની કબર સુધી પહોંચવા માટે ખિજરી દરવાજાનો ઉપયોગ કર્યો હતો. આમ રીતે, એક રીતે કહી શકાય કે જે દરવાજેથી દિલ્હીની સત્તા પર મુધલ સત્તાએ પ્રવેશ કર્યો હતો, તેના અંતિમ વારસદારની વાપસી પણ ત્યાંથી જ થઈ હતી.
મુઘલ અને યમુના નદી
ધ હિંદુમાં પ્રકાશિત આર.વી. સ્મિથના એક રિપોર્ટથી જાણવા મળે છે કે, મુઘલ શાસકોનો યમુના (તે સમયે જમુના) સાથે ગાઢ સંબંધ હતો. તેઓ લખે છે, “ઉનાળામાં અકબર યમુના કિનારે હોડી બંધાવીને તેમાં સૂતા હતા. જહાંગીર દ્વારા પણ આવું કરવામાં આવતુ હોવાનો ઈતિહાસ છે. દિલ્હીને રાજધાની બનાવ્યા પછી, શાહજહાં ઘણીવાર યમુનામાં નૌકાવિહારનો આનંદ માણતા હતા. રાત્રે, તેના હરામની સ્ત્રીઓ, શહજાદઓ અને દાસીઓ ખિજરી દરવાજાથી નૌકાવિહાર અને સ્નાન માટે બહાર જતી.
ઉપરાંત નદીના કિનારે જ મેળા ભરાતા હતા. ઉપરાંત હાથીઓની લડાઇ સહિત ઘણા મનોરંજક કાર્યક્રમો અહીંયા યોજાતા હતા. આ તમામનો મનોરંજન મુઘલ પરિવારના સભ્યો લાલ કિલ્લાના ઝરુખામાં બેસીને લેતા હતા. અલબત્ત મુઘલ યમુનાનું પાણી પીતા ન હતા. તેઓ પોતાના પીવા માટે ગંગાલ નદીનું પાણી મંગાવતા હતા.
યમુનાના વહેણમાં દિલ્હી વસ્યું
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં લેખક સોહેલ હાશ્મી લખે છે, “જ્યાં રીંગ રોડ છે, ત્યાં પહેલા યમુના હતી. તેથી જ ત્યાં લાલ કિલ્લો બનાવવામાં આવ્યો હતો… યમુના નદી કિલ્લાની સુરક્ષા કવચ હતી. મુહમ્મદ શાહ ‘રંગીલા’ના સમયે (18મી સદીમાં) યમુના નદી સંકોચાવા લાગી. 1911માં જ્યારે રાજધાની દિલ્હીમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે રાજધાની ક્યાં વસાવવી તે સ્થળની પસંદગી કરવા માટે વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો.
સૂચવેલું મૂળ સ્થળ કોરોનેશન પાર્ક વિસ્તાર હતો. પરંતુ તે વર્ષ (1911)ના ચોમાસામાં કોરોનેશન પાર્ક અને કિંગ્સવે કેમ્પનો મોટો વિસ્તાર પૂરમાં વહી ગયો હતો. તેથી રાયસીના હિલ પર રાજધાની સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્ષ 1911 સુધી સિવિલ લાઇન્સ, મોડલ ટાઉનના કેટલાક વિસ્તારોને પૂરગ્રસ્ત માનવામાં આવતા હતા. તે સમયના ચિત્રોમાં લાલ કિલ્લાની સાથે યમુના નદી વહેતી જોવા મળે છે.