દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને આપવામાં આવતી ફ્રી વીજળી સબસિડી પર રોક લગાવી દીધી છે. કેજરીવાલ સરકારના ઉર્જા મંત્રી આતિશી માર્લેનાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. આતિશીએ કહ્યું કે આજે એટલે કે શુક્રવારથી દિલ્હીને લોકોને આપવામાં આવતી સબસિડી વાળી વીજળી બંધ કરી દેવામાં આવશે. કાલે અટલે કે શનિવારથી સબસિડી વાળા બિલ આપવામાં આવશે નહીં.
દિલ્હી સરકારના ઉર્જા મંત્રી આતિશીએ સબસિડી બંધ કરવાનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ફ્રી વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે. આપ સરકારે આવનાર વર્ષ માટે સબસિડી જારી રાખવાનો નિર્ણય લીધો છે પણ તે ફાઇલ દિલ્હીના એલજી પાસે છે. જ્યાં સુધી ફાઇલ પાછી નહીં આવે ત્યાં સુધી આપ સરકાર સબસિડી વાળા બિલ જારી કરી શકશે નહીં. આમ આદમી પાર્ટીનો આ નિર્ણય દિલ્હીના લોકો માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
મંત્રી આતિશીએ કહ્યું – એલજીએ રોકી ફ્રી વીજળી
આતિશીએ આરોપ લગાવ્યો કે એલજીએ દિલ્હીની મફત વીજળી રોકી છે. તેનાથી 46 લાખ પરિવારોને ફ્રી વીજળી મળવાની બંધ થઇ જશે. દિલ્હી સરકારની વીજળી સબસિડીની ફાઇલ એલજી લઇને બેસી ગયા છે. વીજળી કંપનીઓ ટાટા, બીએસઈએસે ચિઠ્ઠી લખી કે તેમની પાસે સબસિડીની સૂચના આવી નથી તો તે બિલિંગ શરુ કરશે.
આ પણ વાંચો – કર્ણાટકમાં અમૂલ-નંદિની વિવાદ શું છે? ડેરી માર્કેટમાં બંને બ્રાન્ડની સરખામણી કેવી રીતે થાય છે?
ઉર્જા મંત્રીએ કહ્યું કે વીજળી કંપનીની જેવી મારા પર ચિઠ્ઠી આવી તો મેં તાત્કાલિક એલજી ઓફિસમાં સમય માંગ્યો હતો. આ એક એવો મુદ્દો છે જેનાથી દિલ્હીમાં ત્રાહિમામ મચી જશે. આ મુદ્દો 46 લાખથી વધારે પરિવારો સાથે જોડાયેલો છે. આતિશીએ કહ્યું કે મેં એલજીને ત્યાં એક મેસેજ આપ્યો કે મારે તેમની સાથે એક અરજન્ટ મુદ્દા પર મળવું છે. મને તેમનો પાંચ મિનિટનો સમય જોઈએ. તેમની ઓફિસ તરફથી પૂછવામાં આવ્યું કે કયા મુદ્દા પર કરવાની છે. તેની મેં જાણકારી આપી હતી.
આતિશીએ કહ્યું કે 24 કલાકથી વધારે સમય પસાર થઇ ગયો છે પણ તે દિલ્હીના મંત્રીને પાંચ મિનિટ મળવાનો સમય આપી શક્યા નથી. સાથે ફાઇલ પણ પાછી આપી નથી. તેનું પરિણામ એ છે કે કાલથી દિલ્હીવાસીઓને નોર્મલ બિલ મળશે.
એલજી ઓફિસે કહ્યું – ફાઈલ ગુરુવારે ક્લિયર થઈ ગઈ છે
જોકે બીજી તરફ એલજી હાઉસના અધિકારીઓએ આતિશીના આરોપોને AAP સરકાર દ્વારા ડ્રામાનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે એલજી દ્વારા ગુરુવારે યોજના માટે મંજૂરી પહેલેથી જ આપવામાં આવી હતી અને શુક્રવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફાઇલ મોકલવામાં આવી હતી. તેઓએ આતિશીને બિનજરૂરી રાજનીતિથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી અને કહ્યું હતું કે તેમના આરોપો પાયાવિહોણા અને બનાવટી છે.