Delhi Liquor Case News update: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સંજય સિંહને 10 ઓક્ટોબર સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. હવે ED એ આ મામલામાં સંજય સિંહના નજીકના સહયોગીઓ સર્વેશ મિશ્રા, વિવેક ત્યાગી અને કુંવરવીર સિંહને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ED તેમને સંજય સિંહની સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે. વિવેક ત્યાગી અને સર્વેશ મિશ્રા બંને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. આ સિવાય બંને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો પણ ભાગ રહ્યા છે.
દિલ્હી લિકર કેસ – કોણ છે સર્વેશ મિશ્રા?
સર્વેશ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના છે. ફેબ્રુઆરી 2022 માં AAP પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. સર્વેશ મિશ્રા તેમના આંદોલનથી સંજય સિંહના યુવા સહયોગી રહ્યા છે. તેઓ સંજય સિંહના અંગત સચિવ પણ છે. આ સિવાય તેઓ ઘણીવાર આમ આદમી પાર્ટી વતી ટીવી ડિબેટમાં ભાગ લેતા જોવા મળ્યા છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને સંજય સિંહની તમામ પોસ્ટ શેર કરે છે.
દિલ્હી લિકર કેસ – કોણ છે વિવેક ત્યાગી?
વિવેક ત્યાગી પણ સંજય સિંહના નજીકના માનવામાં આવે છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં ઉત્તર પ્રદેશની કમાન સંજય સિંહ પાસે છે. જ્યારે વિવેક ત્યાગી હાપુરા જિલ્લાના પ્રભારી છે. એવું કહેવાય છે કે તેઓ અરવિંદ કેજરીવાલના આંદોલનના સમયથી સંજય સિંહ સાથે જોડાયેલા છે.
દિનેશ અરોરાનું નામ પણ સામે આવ્યું હતું
તમને જણાવી દઈએ કે આ કેસમાં દિનેશ અરોરાનું નામ સામે આવ્યું હતું. અગાઉ ઈડીએ આ કેસમાં દિનેશ અરોરાને આરોપી બનાવ્યા હતા પરંતુ બાદમાં તેઓ સરકારી સાક્ષી બન્યા હતા. ચાર્જશીટ મુજબ, સંજય સિંહના કહેવા પર દિનેશ અરોરાએ દિલ્હીમાં આગામી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવા માટે ઘણા રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી. સંજય સિંહ પર 2 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે.
Delhi Liquor Case: દિલ્હી લિકર કૌભાંડ કેસ શું છે?
દિલ્હીના આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સરકારે વર્ષ 2021 માં નવી શરાબ નીતિ લાગુ કરી હતી. જોકે ફેરફાર કરાયેલ લિકર પોલિસીમાં કૌભાંડ થયાની રાવ ઉઠતાં દિલ્હી મુખ્ય સચિવે 8 જુલાઇ 2022 ના રોજ દિલ્હી ઉપ રાજ્યપાલ (એલજી) વી કે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં નવી શરાબ નીતિ બનાવવામાં નિયમોનું ઉલ્લંઘન અને ટેન્ડર પ્રક્રિયામાં રહેલી ત્રુટીઓ સામે આવી હતી. ટેન્ડર બાદ શરાબ ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કરી લાંચના બદલે શરાબ ઠેકેદારોને લાભ કરાયો હોવાનું સામે આવ્યું હતું.
Delhi Liquor Case: દિલ્હી લિકર કૌભાંડ સીબીઆઇ તપાસ
દિલ્હી લિકર પોલિસી મામલે રજૂ કરાયેલ રિપોર્ટ આધારે જુલાઇ 2022 માં ઉપ રાજ્યપાલ વી કે સક્સેનાએ દિલ્હી ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સામે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા. સીબીઆઇ તપાસ બાદ કેજરીવાલ સરકારે નવી શરાબ નીતિ અમલ અટકાવી દીધો હતો અને 1 સપ્ટેમ્બર 2022 થી જુની શરાબ નીતિ લાગુ કરી હતી. આ મામલે ચાલી રહેલી તપાસમાં એક પછી એક નવા નામ સામે આવી રહ્યા છે.