Delhi Flood : દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. રાજધાનીમાં યમુનાનું જળ સ્તર રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે યમુના નદીનું પાણી આઈટીઓ, રાજઘાટ અને લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. યમુના નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોને દિલ્હી સરકારે ખાલી કરાવી દીધા છે. યમુનાના જળસ્તરને જોતા દિલ્હી મેટ્રોએ નદી પર પોતાની ટ્રેનોની સ્પીડ ઓછી કરવાનો નિર્ણય કર્યો છે અને યમુના બેંક મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે દેશની રાજધાની નવી દિલ્હીમાં આવી સ્થિતિ કેમ ઉભી થઈ.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે રાજધાનીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ રવિવાર સુધી બંધ રહેશે. આવશ્યક ફરજો સિવાયના તમામ સરકારી અધિકારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ખાનગી કંપનીઓ માટે કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવા માટેની સલાહ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેના દ્વારા બોલાવવામાં આવેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની કટોકટીની બેઠક બાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો – ઉત્તર ભારત જળપ્રલય ચેતવણી અને સબક : તૈયાર રહેવાનો સમય
દિવસની શરૂઆતમાં દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી હતી કારણ કે યમુનાના પાણીથી ઘણા મુખ્ય રસ્તાઓ ડૂબી ગયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં કોમર્શિયલ વાહનોની અવરજવરને નિયંત્રિત કરવામાં આવશે. સવારે 8 વાગ્યે નદીમાં પાણીનું સ્તર રેકોર્ડ 208.48 મીટર હતું અને હજુ પણ વધી રહ્યું છે.
યમુના નદીમાં જળસ્તર વધવાનું મુખ્ય કારણ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડાયેલ પાણી
રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં જળસ્તર વધવાનું મુખ્ય કારણ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું છે. ચોમાસાની સિઝનમાં લગભગ દર વખતે હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવે છે. જ્યારે પણ અહીંથી પાણી છોડવામાં આવે છે ત્યારે દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધી જાય છે. હવે તમે વિચારતા હશો કે જો દર વર્ષે આવું થતું હોય તો આ વખતે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ કેમ ઉભી થઇ રહી છે.
સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી થોડા જ સમયમાં દિલ્હી પહોંચી ગયું હતું. આ પાણીની ગતિના કારણે થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે યમુનાની આસપાસ અતિક્રમણને કારણે તેના પ્રવાહ માટેની જગ્યા સતત ઓછી થઈ રહી છે. આ ઉપરાંત નદીના ઉપરના તળ પર કાપનું પ્રમાણ પણ પૂરનું કારણ બની શકે છે.
હરિયાણાનો હથિનીકુંડ બેરેજ યમુનાનગરમાં છે. જે રાજધાની નવી દિલ્હીથી લગભગ 180 કિમી દૂર છે. અહીંથી છોડવામાં આવેલ પાણીને દિલ્હી પહોંચવામાં લગભગ બે થી ત્રણ દિવસનો સમય લાગે છે. સીડબલ્યુસીના એક અધિકારીએ જણાવ્યું કે હથિનીકુંડ બેરાજથી છોડવામાં આવેલ પાણીને દિલ્હી પહોંચવામાં વર્ષોની સરખામણીમાં ઓછો સમય લાગ્યો છે. તેનું કારણ અતિક્રમણ અને કાપ હોઇ શકે છે.
ઓછા સમયમાં વધારે વરસાદ
રાજધાની દિલ્હીમાં છેલ્લા સપ્તાહમાં સારો વરસાદ થયો છે. શનિવાર અને રવિવારે છેલ્લા 40 વર્ષોમાં દિલ્હીમાં સૌથી વધારે વરસાદ થયો છે. દિલ્હીમાં રવિવારે 24 કલાકમાં 153 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ પહેલા 24 કલાકમાં દિલ્હીએ 100 મીમી વરસાદ ઝીલ્યો છે પણ રાજધાનીની સિસ્ટમ આટલી ભારે માત્રામાં વરસાદ ઝીલવા માટે તૈયાર નથી. જો આટલો વરસાદ ઘણા દિવસોમાં પડ્યો હોત તો પરિસ્થિતિ બગડી ન હોત.
યુમના નદીનું જળસ્તર રેકોર્ડ 208.48 મીટર પર પહોંચી ગયું છે. આ પહેલા 1978માં નદીનું જળસ્તર 207.49 મીટર પહોંચવાનો રેકોર્ડ હતો. સરકારી એજન્સીઓએ આ જાણકારી આપી છે.