Delhi Rain : દિલ્હીમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ સમયે સ્થિતિ એવી છે કે રાજધાનીમાં યમુનાનું જળ સ્તર રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયું છે. દિલ્હીમાં બુધવારે યુમના નદીનું જળસ્તર રેકોર્ડ 207.55 મીટર પર પહોંચી ગયું છે. આ પહેલા 1978માં નદીનું જળસ્તર 207.49 મીટર પહોંચવાનો રેકોર્ડ હતો. સરકારી એજન્સીઓએ આ જાણકારી આપી છે. કથળતી જતી સ્થિતિને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમના તરફથી અપીલ કરવામાં આવી હતી કે જે લોકો યમુનાની નજીક રહે છે તેઓ તાત્કાલિક રાહત શિબિરમાં જાય.
કેજરીવાલે ખતરા પર શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે યમુનાનું જળસ્તર 207.71 મીટર સુધી પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દિલ્હીમાં વરસાદ પડ્યો નથી પરંતુ હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી સતત પાણી આવી રહ્યું છે. આ કારણે મેં ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. તેમને અપીલ કરી છે કે તેઓ પાણીનો પ્રવાહ થોડો ઓછો કરે જેથી યમુનાને ઓવરફ્લો થતી અટકાવી શકાય. હું દરેકને અપીલ કરું છું કે જો તેઓ યમુનાની નજીક રહેતા હોય તો પોતાનું ઘર છોડી દે. હાલ અનેક વિસ્તારો પ્રભાવિત થયા હોવાનું કહેવાય છે.
શાળાઓ રાહત શિબિરો બનશે?
પરિસ્થિતિ કેટલી વિકટ છે તે વાત પરથી સમજી શકાય છે કે જરૂર પડે તો શાળાઓને રાહત શિબિરોમાં ફેરવવાની વાત ચાલી રહી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે તમામ ડીએમને સૂચના આપવામાં આવી છે કે જરૂર પડશે તો સ્કૂલને પણ રાહત કેન્દ્રમાં ફેરવી શકાય છે. આ સમયે લોકોનો જીવ બચાવવો એ સૌથી મોટી પ્રાથમિકતા છે.
આ પણ વાંચો – જુલાઈમાં ભારે વરસાદની ઘટનાઓ: કેટલી અસામાન્ય છે, તેનું કારણ શું છે?
જાણકારી માટે જણાવી દઈએ કે સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં અમિત શાહને કહ્યુ હતુ કે હથિનીકુંડથી સીમિત માત્રામાં પાણી છોડવુ જોઈએ, જેથી યમુનાનુ જળસ્તર વધુ ન વધે. દિલ્હીમાં જી-20 શિખર સંમેલન થવાનું છે, તેથી જો દિલ્હીમાં પૂર આવે છે તો તેનાથી દુનિયાને સારો સંદેશ નહીં જાય. કેજરીવાલ ઉપરાંત તમામ મંત્રીઓ પણ જમીન પર સક્રિય છે.
હિમાચલ પ્રદેશમાં વિસ્ફોટક સ્થિતિ
દિલ્હીના જળ મંત્રી સૌરભ ભારદ્વાજે મીડિયાને જણાવ્યું કે દિલ્હી સરકાર સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યારે પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ પરિસ્થિતિ ક્યાં સુધીમાં સામાન્ય થઈ જશે, તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ દિલ્હીમાં વરસાદ બંધ થઇ ગયો છે, પરંતુ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં હજુ પણ ખતરો ટળ્યો નથી. ત્યાં વરસાદ પણ ચાલુ છે અને પર્વતો પણ સરકી રહ્યા છે. ઘણા લોકોના મોત પણ થયા છે. હિમાચલના મુખ્યમંત્રીએ આ વરસાદને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી છે.