Amit Shah : રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર સોમવારે ચર્ચા થઇ હતી અને ચર્ચાને અંતે બિલ પાસ થઇ ગયું છે. ઘણા સાંસદોએ આ મુદ્દા પર પોતાની વાત રાખી હતી. દિલ્હી સર્વિસ બિલ પર બોલતા અમિત શાહે ઇશારા-ઇશારામાં આમ આદમી પાર્ટીને સોપારી જેવડી પાર્ટી કહી દીધી હતી. તેના પર આપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ વળતો પ્રહાર કર્યો હતો.
અમિત શાહે કહ્યું – સોપારી જેવડી પાર્ટી
ગૃહમંત્રી અમિત શાહે સદનમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તમારા માટે જનતાના બિલ મહત્વપૂર્ણ નથી. તમારા ગઠબંધનમાં સોપારી જેવડી પાર્ટી ભાગીને જતી ના રહે તેનું ઘણું મોટું મહત્વ છે. તમારી પ્રાથમિકતા સ્પષ્ટ થઇ ગઇ છે અને તમે પોતે કરી દીધી છે. મેં બધાને સાંભળ્યા, બધા મોટી-મોટી વાતો કરી રહ્યા છે, અરે કોઇ તો સાચું બોલ્યા હોત કે અમે એટલા માટે આવ્યા છે ક્યાંક કેજરીવાલ જી અમારા ગઠબંધનમાંથી ભાગી ના જાય.
આ પણ વાંચો – રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ, પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા
રાઘવ ચઢ્ઢાએ આપ્યો વળતો જવાબ
ગૃહમંત્રી અમિત શાહને જવાબ આપતા આપના સાંસદ રાઘવ ચઢ્ઢા ઉભા થયા હતા. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે લોકસભામાં ગૃહમંત્રી જી એ કહ્યું કે પંડિત નેહરુ જી એ વાત રાખી હતી કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ના મળવો જોઈએ. હું ગૃહમંત્રીને કહેવા માંગીશ કે નેહરુવાદી ના બનો, અડવાણીવાદી અને વાજપેયીવાદી બનો. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તક તમારી પાસે છે તો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દો.
અમિત શાહના સોપારી વાળા નિવેદન પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ સોપારી જેવડી નાની પાર્ટી છે જે આઝાદ ભારતની ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ પોલિટિકલ સ્ટાર્ટઅપ કહેવાય છે. આ જે સોપારી જેવી પાર્ટી છે જેણે ત્રણ વખત ભાજપાને દિલ્હીમાં હરાવી અને બે વખત આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી મોટા જનાદેશથી સરકાર બનાવી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ સોપારી જેવડી પાર્ટી છે જેણે પંજાબમાં બીજેપીને લગભગ શૂન્ય પર લાવીને ઉભી કરી દીધી. દસ વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની અને તે સોપારી પાર્ટી છે જેના 161 ધારાસભ્ય અને 11 સાંસદ છે. આ તે સોપારી જેવડી પાર્ટી છે જેનું કામ જોવા માટે ફર્સ્ટ લેડી ઓફ યુએસ આવે છે.
રાઘવ ચઢ્ઢાના નિવેદનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ઘણો શેર કરી રહ્યા છે.