Data Protection Bill : ડેટા પ્રોટેક્શન બિલ સોમવારે લોકસભામાં પસાર થયું હતું. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2023 લોકસભામાં વોઇસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ, કંપનીઓ પર લઘુત્તમ 50 કરોડ રૂપિયા અને વધુમાં વધુ 250 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.
ડેટા પ્રોટેક્શન બિલ શું છે? (What is the Data Protection Bill?)
ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થયા બાદ, જો કોઈ કંપની કે સંસ્થા દ્વારા નિયમો તોડવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિની માહિતી લીક થાય છે ,તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદાના અમલ પછી, લોકોને તેમના ડેટા, સ્ટોરેજ અને તેની પ્રક્રિયા વિશે માહિતી માંગવાનો અધિકાર મળશે.
બિલ અનુસાર ડેટા પ્રોટેક્શન બોર્ડની પણ રચના કરવામાં આવશે. જો કોઈ બાબતને લઈને વિવાદ ઊભો થાય, તો ડેટા પ્રોટેક્શન બોર્ડ આ અંગે નિર્ણય લેશે. આ બિલ મુજબ હવે નાગરિકોને પણ સિવિલ કોર્ટમાં જઈને વળતરનો દાવો કરવાનો અધિકાર મળશે. બિલમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બિલ પર ચર્ચા દરમિયાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ બિલ દેશના 140 કરોડ લોકોના ડિજિટલ વ્યક્તિગત ડેટાની સુરક્ષા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું, “વિશ્વના ઘણા દેશો ડિજિટલ ઈન્ડિયા અપનાવવા માંગે છે. 900 મિલિયન ભારતીયો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. સંસદની સ્થાયી સમિતિ સહિત અન્ય મંચો પર છેલ્લા ઘણા વર્ષોથી આ બિલ પર ઘણાં કલાકો સુધી ચર્ચા થઈ રહી છે. 48 સંસ્થાઓ અને 39 વિભાગો/મંત્રાલયોએ તેના પર ચર્ચા કરી અને 24,000 સૂચનો પ્રાપ્ત થયા છે.
વિપક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો
વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, આ કાયદો ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજી તરફ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, આ અંતિમ બિલ નથી અને તેને સમીક્ષા માટે સંસદીય સમિતિ પાસે મોકલવાની જરૂર છે. જ્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ કહ્યું કે, આ બિલ સંસદીય પેનલને મોકલવામાં આવે.
આ પણ વાંચો – અમેરિકાના આ મ્યુઝિયમમાં છે જ્ઞાનવાપીનું સત્ય, 150 વર્ષ જૂના ફોટા આપી રહ્યા જુબાની
સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની પર રોક લાગશે
ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થયા બાદ સરકાર સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની પર અંકુશ લગાવી શકશે. જ્યારે પણ કોઈ કંપની કોઈ વ્યક્તિની અંગત માહિતી એકત્રિત કરવા માંગે છે, તો તેના માટે તેને સંબંધિત વ્યક્તિની પરવાનગી લેવી પડશે. આ બિલ હેઠળ, વ્યક્તિનો વ્યક્તિગત ડેટા ત્યારે જ લઈ શકાય છે, જ્યારે સંબંધિત વ્યક્તિએ તેના માટે સંમતિ આપી હોય.