Cyclone Michaung : ચક્રવાતી તોફાન ‘મિચોંગ’એ ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં તેની તબાહી જોવા મળી રહી છે. સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. એરપોર્ટ પણ ડૂબી ગયું છે. ફ્લાઈટો થંભી ગઈ છે. તાજા રિપોર્ટ મુજબ કનાથૂરમાં દીવાલ પડવાથી બે લોકોના મોત થયા છે. આ વાવાઝોડું 5 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકાના કાર્યકરો પ્રયાસ કરી રહ્યા છે. ચક્રવાતી તોફાન મિચોંગની અસરને કારણે ચેન્નઈ અને તેની આસપાસના ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુરમાં રવિવારે મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
રસ્તા પર દેખાયો મગર
આ દરમિયાન એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મગર રસ્તો ક્રોસ કરતો જોઇ શકાય છે. આ વીડિયો જોયા બાદ સ્થાનિક લોકો ગભરાઇ ગયા છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસને કેટલા ટકા વોટ મળ્યા
5 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકરાઇ શકે છે
હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર ચક્રવાતી તોફાન 5 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમના દરિયાકાંઠે ટકરાશે તેવી સંભાવના છે. ચક્રવાતને કારણે અહીં રેલ અને વિમાની સેવા રદ કરવામાં આવી છે અથવા વિલંબમાં પડી છે. રિપોર્ટ અનુસાર દરિયા કિનારે આવેલી 144 ટ્રેનો રદ કરવામાં આવી છે.
એમઇટીએ કહ્યું કે આ તોફાન બંગાળની ખાડીથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, જેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પહોંચ્યા બાદ વાવાઝોડું ફરી ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. આ સાથે જ 6 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના તટ પર એક મોટું ચક્રવાતી તોફાન બનીને ટકરાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતના કારણે 6 અને 7 ડિસેમ્બરે બંગાળના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. જેમાં મેદિનીપુર, ઝાડગ્રામ, પરગના, કોલકાતા, હાવડા અને હુગલીનો સમાવેશ થાય છે.