કોંગ્રેસ બ્લેક પેપર, અન્યાયના 10 વર્ષ : કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ એક ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું, જેમાં તેમણે મોંઘવારી, બેરોજગારી, સામાજિક ન્યાય, ખેડૂતો અને અન્ય ઘણા મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે આ ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું. પાર્ટીએ તેને ‘અન્યાયના 10 વર્ષ’ નામ આપ્યું છે.
કોંગ્રેસે સરકાર અને વડાપ્રધાન મોદી પર પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આવી સ્થિતિમાં આ સરકાર સામે ‘બ્લેક પેપર’ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે આ ‘બ્લેક પેપર’ એવા સમયે બહાર પાડ્યું છે, જ્યારે સરકારે યુપીએના 10 વર્ષના કાર્યકાળ પર ‘વ્હાઈટ પેપર’ જાહેર કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ – મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર સામે ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર વિરુદ્ધ ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું છે. આ દરમિયાન, તેમણે કહ્યું, “આજે અમે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બ્લેક પેપર લાવી રહ્યા છીએ કારણ કે, તેઓ હંમેશા ગૃહમાં તેમની સફળતાની વાત કરે છે અને તેમની નિષ્ફળતા છુપાવે છે. તો, જ્યારે અમે તેમની નિષ્ફળતા દર્શાવીએ છીએ, ત્યારે અમને મહત્વ આપવામાં આવતું નથી. આ બ્લેક પેપરમાં અમારો મુખ્ય મુદ્દો બેરોજગારી છે, જે દેશનો સૌથી મોટો મુદ્દો છે અને ભાજપ તેના વિશે ક્યારેય વાત કરતું નથી.
આ સરકાર શંકાસ્પદ ડેટા લાવવા માટે કુખ્યાત છે – કાર્તિ ચિદમ્બરમ
10 વર્ષના કાર્યકાળને લઈ કેન્દ્ર સરકાર ‘વ્હાઈટ પેપર’ લઈને આવી રહી છે અને તેના જવાબમાં કોંગ્રેસ ‘બ્લેક પેપર’ લઈને આવી રહી છે, આના જવાબમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું, “ચાલો આપણે અધિકૃત, ચકાસી શકાય તેવા સાચા ડેટા બહાર લાવીએ અને પછી અમારી પાસે જાણકારીપૂર્ણ ચર્ચા થશે.” હું ‘વ્હાઈટ પેપર’નું સ્વાગત કરું છું અને આશા રાખું છું, કે ડેટા અધિકૃત છે કારણ કે આ સરકાર શંકાસ્પદ ડેટા સાથે બહાર આવવા માટે કુખ્યાત છે. તો બ્લેક પેપર ભારતમાં જે થઈ રહ્યું છે, તેની વાસ્તવિકતા હશે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર રાજકારણ : અજિત પવાર શરદ પવાર જૂથના પહેલા જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, હવે શું થશે?
આ કાગળ યુદ્ધ ચાલુ રહેશે – સંજય રાઉત
યુપીએ સરકારના 10 વર્ષ સામે કેન્દ્ર સરકાર ‘વ્હાઈટ પેપર’ લાવે છે અને કોંગ્રેસ જવાબમાં ‘બ્લેક પેપર’ લાવે છે, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું, “શું છેલ્લા 70 વર્ષમાં કંઈ થયું નથી? શું આ 10 વર્ષમાં જ દેશનો વિકાસ થયો છે? ખાસ કરીને મહારાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષમાં જે કૌભાંડો થયા છે, તેનો પણ શ્વેતપત્રમાં સમાવેશ થવો જોઈએ. અજિત પવારના 70,000 કરોડના કૌભાંડનો ખુદ પીએમ મોદીએ પર્દાફાશ કર્યો હતો. દરેકના પ્રયાસોથી આ દેશનો વિકાસ થયો છે. આ કાગળ યુદ્ધ ચાલુ રહેશે.