(By- Iram Siddique)
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં (Ujjain)પ્રથમ વખત કેબિનેટની બેઠક થઇ હતી. આ દરમિયાન અલગ નજારો જોવા મળ્યો હતો. પ્રદેશ કેબિનેટની બેઠકમાં સામાન્ય રીતે મુખ્ય ખુરશી પર મુખ્યમંત્રી જ બેઠેલા જોવા મળે છે. જોકે આ વખતે કેબિનેટ બેઠકમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)નહીં પણ મહાકાલ બિરાજમાન હતા.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે આજની બેઠકની અધ્યક્ષતા મહાકાલે કરી છે. મુખ્યમંત્રીએ પોતાની ખુરશી પર મહાકાલની તસવીર રાખીને કહ્યું કે ઉજ્જૈનના રાજા આ છે, આપણે બધા તેના સેવક છીએ. બેઠક પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહે મંત્રીઓને સંબોધિત કરતા કહ્યું કે મહાકાલ કોરિડોર હવે શ્રી મહાકાલ લોક ના નામથી ઓળખાશે. આ બેઠકમાં મહાકાલેશ્વર મંદિર વિસ્તારીકરણને લઇને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
સીએમ શિવરાજ સિંહે કહ્યું કે મહાકાલ મહારાજની સરકાર છે, અહીંના રાજા છે જેથી આજે મહાકાલ મહારાજની ધરતી પર આપણે બધા સેવક બેઠક કરી રહ્યા છીએ. આ આપણા બધા માટે ઐતિહાસિક ક્ષણ છે. આપણે કલ્પના કરી હતી કે મહાકાલ મહારાજના પરિસરનો વિસ્તાર કરવામાં આવશે. મહાકાલ મહારાજને પ્રાર્થના છે કે તે બધા દેશવાસીઓ પર કૃપા વરસાવે, આશીર્વાદ આપે આ જ મંગલ કામના છે.