Chandrayaan 3 Mission : ઈસરોએ જાણકારી આપી છે કે 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે થનારા ચંદ્રયાન-3નું લેન્ડિંગ ટાળી પણ શકાય છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) ઇસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ આ માહિતી આપી છે. ડિરેક્ટરે તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ના ચંદ્ર પર ઉતરાણના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચાંદ પરની સ્થિતિના આધારે નિર્ણય કરાશે કે તે સમયે તેને ઉતારવું યોગ્ય રહેશે કે કેમ. જો કોઈ પણ પરિબળ અનુકૂળ ન લાગે તો અમે 27 ઓગસ્ટે ચંદ્ર પર મોડ્યુલ ઉતારીશું. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ અને અમે તેને સરળતાથી ઉતારી શકીએ.
શું ચંદ્રયાન-3 નું લેન્ડિંગ 23 મી ઓગસ્ટે નહીં થાય?
23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે જોડાયેલા સવાલ પર ઈસરોના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈએ કહ્યું છે કે લેન્ડિંગનો પ્લાન 23 ઓગસ્ટનો જ છે પરંતુ શક્યતા છે કે તેનો સમય આગળ વધારવામાં આવે. પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે બધુ સામાન્ય નહીં હોય.
આ પહેલા ઈસરોએ એવી માહિતી શેર કરી હતી કે ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધમાં છે. લેન્ડર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખીણ અસ્તિત્વમાં નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં સક્ષમ હશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે.
આ પણ વાંચો – ચંદ્રયાન-3 : વિક્રમ લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કેવી રીતે કરશે? કેમ નિષ્ફળ થવાની શક્યતા ઓછી, સમજો પુરૂ ગણિત
નિલેશ એમ.દેસાઈએ જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલાં અમે દરેક પાસાની તપાસ કરીશું. જે દરમિયાન અમને કંઈ વાંધાજનક જણાશે તો અમે તેને મુલતવી રાખીશું અને 27મીએ લેન્ડિંગ કરવામાં આવશે. ડિરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે 23મીએ લેન્ડર 30 કિ.મી.ના અંતરેથી ઉતરવાનો પ્રયાસ કરશે અને તેનો વેગ 1.68 કિમી પ્રતિ સેકન્ડનો રહેશે. અમે આ સમય દરમિયાન બધું ખૂબ જ કાળજીપૂર્વક કરવા જઈ રહ્યા છીએ.
ચંદ્રયાન-2એ ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-3નું સ્વાગત કર્યું
ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ચંદ્રયાન-3નું સ્વાગત ચંદ્રયાન-2 દ્વારા કરવામાં આવ્યું છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-2 ઓર્બિટર સાથે સંપર્તક સાધવામાં ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. આ સાથે જ ઈસરોએ કહ્યું કે 23 ઓગસ્ટે લેન્ડિંગનું લાઈવ પ્રસારણ સાંજે 5.20 વાગ્યાથી ઈસરોની વેબસાઈટ અને યૂટ્યૂબ ચેનલ પર શરૂ કરવામાં આવશે.